રાજીનામા બાદ કોંગ્રેસ નેતા સાથે મુલાકાત કરી : કોંગ્રેસમાં જોડાવાનો સંકેત
(એજન્સી) મુંબઈ, તા.૮
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને એક મોટો ઝાટકો લાગ્યો છે. મહારાષ્ટ્રના ગૌંદીયાના ભાજપના સાંસદ નાના પટોલેએ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. નાના પટોલેએ કહ્યું કે તેમને ભાજપની ખેડૂત વિરોધી નીતિ પસંદ આવી ન હતી. તેના વિરોધમાં પાર્ટીમાંથી રાજીનામું આપુ છું. વડાપ્રધાન મોદીને સવાલ પૂછવો સારો લાગતો નથી. જ્યારે આવા પ્રશ્નો પૂછયા ત્યારે મોદીએ કહ્યું હતું કે, તમે પક્ષનો ચૂંટણી ઢંઢેરો વાંચ્યો છે. તમારી પાસે સરકારી યોજનાઓની જાણકારી છે ? પટોલેએ કહ્યું કે તમામ કેન્દ્રીય મંત્રીઓ હંમેશા ડરતા રહે છે. હું ડરતો નથી. હિટલિસ્ટમાં છું પરંતુ મંત્રી બનવા માંગતો નથી. પટોલેએ કેટલાક દિવસો પહેલાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાઓ વધતી જાય છે. ભાજપના શાસન પછી આત્મહત્યાઓ વધતી જાય છે. મોટા પદો પર બેઠેલા લોકોએ લોકોની ભલાઈ માટે કામ કરવું જોઈએ. પટોલેએ કહ્યું કે દેશમાં ખેડૂતોની આત્મહત્યાના ૪૩ ટકા કિસ્સા વધ્યા છે. બેરોજગારીની સ્થિતિ વિકટ છે. સરકારે દર વર્ષે ર કરોડ નોકરીઓનું વચન આપ્યું હતું. પરંતુ તે માટે કોઈ જ પગલાં લેવાયા નહીં. દેશની આર્થિક સ્થિતિ ચિંતાજનક છે. નોટબંધીથી નોકરીઓ અને ધંધા ગયા. જીએસટી આવવાથી નાના વેપારીઓ માર્યા ગયા. બેંકોમાં લઘુત્તમ બેલેન્સ ન હોય તો બેંકો ચાર્જ વસૂલી ગરીબોના ખાતામાંથી નાણાં કાપી લે છે. લોકો માટે લડત કરવા પક્ષ અને સરકારનો સાથ છોડી લોકો સાથે જોડાવવાનું પસંદ કર્યું છે. ટાઈમ્સ નાઉ ચેનલના અહેવાલ મુજબ નાના પટોલેએ લોકસભામાંથી અને પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ નેતા મોહન પ્રકાશની મુલાકાત લીધી હતી. ચેનલના કહેવા મુજબ પટોલેએ રાજીનામું આપતાં પહેલાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ રાજીનામું આપ્યું હતું. હવે રાજીનામું આપ્યા પછી કોંગ્રેસ નેતા મોહન પ્રકાશ સાથે મુલાકાત પછી પટોલે કોંગ્રેસમાં સામેલ થશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. પટોલેએ ર૦૦૯માં ખેડૂતોના મુદ્દે નારાજ થઈ કોંગ્રેસના વિધાયક તરીકે રાજીનામું આપ્યું હતું. ર૦૧૪માં ભાજપે તેમને લોકસભાની ટિકિટ આપી હતી અને પહેલીવાર સાંસદ બન્યા હતા.