અમદાવાદ, તા.ર૧
રાજ્યમાં એક તરફ ઠંડા પવનો ફૂંકાતા ફરી એકવાર ઠંડીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે અપર એર સાયક્લોનિક સરક્યુલેશનને પગલે ભર શિયાળે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરના વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને પગલે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાત પર વાતાવરણના પલટાની અસર જોવા મળી. અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાત પર વાતાવરણના પલટાની અસર જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. દ્વારકામાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. દ્વારકા, મીઠાપુર, ઓખા, ભાટિયા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. જેને પગલે પાકમાં નુકસાનની આશંકા સેવાઈ રહી છે. ગાંધીધામ બાદ પૂર્વ કચ્છના અન્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. અંજાર અને ભચાઉ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. કમોસમી વરસાદથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે. એક બાજુ શિયાળાની ઋુતુ ચાલી રહી છે. ત્યારે કમોસમી વરસાદ વરસતા શીત લહેર ફરી વળી હોય તેવો અહેસાસ લોકોએ કર્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોએ વાવેલા જીરા, ચણા અને ઘઉંના પાકને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ ઠંડીમાં પણ વધારો થયો છે. આમ એક તરફ ઠંડી અને બીજી તરફ વરસાદનો માહોલ ઊભો થતાં ફરી એકવાર લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.