મોસાલી,તા.૧૮
માંગરોળ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ખેતીવિષયક વિજજોડાણની લાઈનનાં તારો ચોરીને લઈ જવાતા ખેડૂતોની ખેતીમાં પાણી પાવાની સમસ્યા ઉભી થવા પામી છે.
ઝાંખરડા, બોરસદ, ડેગડીયા, વસરાવી, ડુંગરી વગેરે ગામોનાં ૪૭ જેટલાં ખેતીવિષયક જોડાણો આવેલા છે, આ વિજલાઈનના તીસ ગાળા જેટલાં વિજ ટેરો ચોરીને લઈ જવામાં આવ્યા છે, આ પ્રશ્ને ખેડૂતોએ સપ્ટેમ્બર મહિનામાં માંગરોળ વિજ કચેરીને લેખિતમાં જાણ કરી હોવા છતાં આજદિન સુધી મંગરોલની ડી.જી.વી.સી.એલ. કચેરી તરફથી કોઈ કાર્યવાહી ન કરાતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે, આખરે ખેડૂતોએ આ પ્રશ્ને મીડિયાનો સહારો લેવો પડયો છે, આ અંગેની માહિતી આપવા માટે આજે સાંજે આ વિસ્તારનાં ખેડૂત આગેવાનોએ એક પત્રકાર પરિષદનું આયોજન માંગરોળ વીજ કચેરીની બહાર કર્યું હતું, ઈંદ્રિસ મલેક, અરવિંદભાઈ ગામીત, બાબુભાઈ ગામીત, ગુલામભાઈ મલેક વગેરે ખેડૂત આગેવાનોએ પત્રકાર પરિષદને માહિતી આપતાં જણાવ્યું કે છેલ્લા ત્રણ માસથી વીજ તારો ચોરાઈ ગયા હોવાની અરજી માંગરોળ વીજ કચેરીને આપવામાં આવી છે. છતાં આજ દિન સુધી આ પ્રશ્ને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ઓક્ટોબર માસનું શેરડીનું જે રોપણ હતું. તે પણ ખેડૂતો કરી શક્યા નથી, હવે ડિસેમ્બરે માસનું રોપણ આવશે પરંતુ ખેતી વિષયક વીજ લાઈન બંધ હોય ખેડૂતો ડિસેમ્બરમાં પણ શેરડીનું રોપણ કરી શકે એમ નથી, સાથેજ હવે ઘઉંના પાકનો પણ સમય આવી ગયો છે પરંતુ પાણી જ પાઈ શકાય એમ ન હોય ખેડૂતો આ પાક પણ ગુમાવવો પડશે, જો કે માંગરોળ તાલુકાનાં અન્ય ગામોમાં પણ ખેતી વિષયક વીજ જોડાણના વીજ તારો ચોરાયા છે, ખેડૂતોનું કહેવું છે કે લોકલ ચોરોનાં માર્ગદર્શન હેઠળ આ વીજ તારોની ચોરી થઈ રહી હોવાનું માની રહ્યા છે, જો કે આજે માંગરોળ વીજ કચેરીની કચેરીમાં એક પણ જવાબદાર અધિકારી હાજર ન હોય વીજ કચેરી તરફથી આ પ્રશ્ને કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ ? એ અંગે માહિતી પ્રાપ્ત થઈ શકી નથી, જો જિલ્લા એલ.સી.બી.અને એ.સો.જી.ને આ તપાસ આપવામાં આવે તો આ વીજ તાર ચોરો ઝડપાઇ શકે એમ ખેડૂતોનું માનવું છે.