(સંવાદદાતા દ્વારા)
અંક્લેશ્વર, તા. ૧૮
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે ગેઈલ ઈન્ડિયા કંપની દ્વારા ખેડૂતોનાં ખેતરોમાંથી પાઈપલાઈન નાંખવામાં આવી રહી છે. જેને અટકાવતાં પોલીસનું બળ વાપરીને કંપની દ્વારા ખેડૂતો સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે આજે કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી.
અંકલેશ્વરનાં કોસમડી ખાતે છેલ્લાં કેટલાંક દિવસોથી ગેઈલ ઈન્ડિયા કંપની દ્વારા પાઈપલાઈન નાંખવાની ગામગીરી કરવામાં આવી રહી છે. જેને ખેડૂતોએ અટકાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. ત્યારે પોલીસને સાથે રાખી કંપની દ્વારા ખેડૂતોને ધમકાવવામાં આવી રહ્યા છે. અને કામગીરી ચાલુ રાખી ખેડૂતોની માંગણીઓને સંતોષવામાં આવી નથી.
આ સંદર્ભે કોંગ્રેસ અગ્રણી મગન માસ્તરે જણાવ્યું હતું કે, કંપની દ્વારા વર્ષ ૧૯૯૨માં ઓએનજીસીએ પાઈપલાઈન નાંખવાની કામગીરી કરવા માટે જમીન સંપાદિત કરવામાં આવી હતી. જેનું પણ ખેડૂતોને પુરતું વળતર મળ્યું નથી. જેની સામે હાલમાં એ જ જગ્યાએ ગેઈલ ઈન્ડિયા કંપની દ્વારા ખેડૂતોની સંમતિ લીધા વિના જમીન સંપાદન કાયદાને નેવે મુકીને કામગીરી કરવામાં આવી રહી છે. ખેડૂતોને નથી કોઈ વળતર કે નથી કોઈ નુકશાનીની ભરપાઈ કરવામાં આવતી. કંપની દ્વારા ખેડૂતોને ભાડું પણ ચૂકવવામાં આવતું નથી. જેથી અમારી રજૂઆત છે કે ખેડૂતોને યોગ્ય ન્યાય મળે.
આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણિ મગન માસ્ટર,તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીતુ પટેલ, ઇકબાક ગોરી,અસ્લમ હાટીયા, તાલુકા પંચાયત સભ્ય, જાકીર મોતાલા સહીત ના ખેડુત અગ્રણીઓ હાજર રહીયા હતા.