મોડાસા, તા. રપ
અરવલ્લી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ નિકુલ પટેલ એક નિવેદનમાં જણાવે છે કે,ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી સરકારે ટેકાના ભાવથી ઘઉંની કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે અરવલ્લી જિલ્લામાં ખેડૂતો એ મહા મહેનતે પકવેલા ઘઉંનો પાક ટેકાના ભાવે વેચ્યો હતો. જો કે પોષણક્ષમ ભાવ લેવા જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાની ફરજ પડી છે. કારણ કે, ટેકાના ભાવે વેચવા માટે ખેડૂતોએ અપાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અરવલ્લી ખેડૂત સમાજ પ્રમુખ નીકુલ પટેલના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનું શરૂ કર્યું છે, પરંતુ ખરીદી બાદ તેના નાણાં ચુકવવામાં સરકાર ઉદાસીન જોવા મળી રહી છે, જેને કારણે પોતાનો માલ વેચ્યા બાદ પણ પૈસા ન મળતા ખેડૂતો આર્થીક મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે સરકાર પૈસા ન આપીને રીત સરનું ખેડૂતોનું શોષણ કરી રહી છે.
૧૫ માર્ચ ૨૦૧૮ના રોજથી સરકારે અરવલ્લી જિલ્લામાં વિવિધ સેન્ટરો પરથી ઘઉંની ખરીદી કરવાનું શરૂ કર્યું હતું અને ૩૦ મેં સુધી ખરીદી ચાલવાની છે. પ્રતિ એક મણના રૂપિયા ૩૪૭ના ટેકાના ભાવથી ઘઉંની ખરીદી હાથ ધરવામાં આવી હતી. ત્યારે અરવલ્લી ખેડૂત સમાજ પ્રમુખ નીકુલ પટેલ દ્વારા જવાબદાર અધિકારી સાથે ટેલીફોનીક વાત કરતા જાણવા મળ્યું હતું કે અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લામાં કુલ ૭૭,૯૬૨.૮૭ ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરવામાં આવી છે. જે મુજબ સરકારે ખેડૂતોને કુલ ૧૩,૫૨,૬૫,૫૭૯ રૂપિયા ચૂકવવાના થાય છે. પરંતુ હાલ મે, માસ પૂર્ણ થવા આવ્યો પરંતુ હજી સુધી સરકાર ખેડૂતોને વેચાણના ૧૧ અપ્રિલ સુધીના જ નાણાં ચૂકવી શકી છે. જેમાં સરકારે હજી માત્ર અંદાજીત ૪ કરોડ જેટલું જ ચુકવણું જ કર્યું છે, આમ જોઈએ તો રૂપિયા લગભગ ૯ કરોડથી વધુની રકમ ખેડૂતોને ચુકવવાનું બાકી છે. આ પ્રકારે સરકારે ખરીદી તો કરી પરંતુ હવે તેનું ચુકવણું કરવામાં સરકાર વાયદા કરી રહી છે. જેથી ખેડૂતો છેતરાયા હોવાનો અહેસાસ કરી રહ્યા છે.