(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
મુંબઈ-અમદાવાદ સંલગ્ન બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ભારે વિરોધ નોંધાયા બાદ આજરોજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સંભાળતી જાપાનની જીકા કંપનીના અધિકારી પ્રતિનિધિ મંડળે નવસારી ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ખેડૂત સમાજના આગેવાન અને સુરત જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયક, ગુવજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પાલ, જયેશભાઈ દેલાડ, રમેશભાઈ ઓરમા, વલસાડના ભાયુભાઈ, નવસારીના સિધ્ધાંત દેસાઈ, રણજીતભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ ખેડૂત સમાજના આગેવાનોએ જીકા કંપનીના પ્રતિનિધિ મંડળ સમક્ષ રજૂઆત કરી હતી કે, પર્યાવરણ, સામાજિક અસરને ધ્યાનમાં રાખવામાં આવે, ખાસ કરીને નવસારી- વલસાડમાં આ બુલેટ ટ્રેનના માર્ગ ઉપર આંબા-ચીકુના અનેક ખેતરોનો નાશ થાય તેમ છે. જેથી વૈકલ્પિક માર્ગની વિચારણા કરવાની રજૂઆત સાથે જમીન અધિકરણ, ૨૦૧૩ના કાયદાને ધ્યાનમાં રાખીને જમીન સંપાદન કરવાની રજૂઆત કરવામાં આવી હતી. આ જીકા કંપનીના પ્રતિનિધિ મંડળે આજે નવસારીમાં ખેતરોનું પણ જાત નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની સુનાવણી વગર જમની સંપાદન કરવાની કાર્યવાહી અન્યાયી છે. ખેડૂતના હિતમાં કામગીરી કરવામાં નહીં આવશે તો દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજની ફરીથી આંદોલનના મંડાણ કરનાર હોવાનું જાણવા મળે છે.