વડિયા,તા.ર૭
વડિયા પીજીવીસીએલ કચેરી હેઠળના જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામના ખેડૂતો અને સરપંચે મળી વડિયા પીજીવીસીએલની કચેરીએ પાવર અવાર નવાર ઝટકા મારતો હોવાનું તેમજ અપુરતો વીજપુરવઠો મળતો હોવાની રાવ નાયબ કાર્યપાલક ઈજનેર સાંગાણીને લેખિતમાં રજૂઆત કરી હતી. આ તબક્કે ટોળા સાથે ધસી આવેલ ખેડૂતોએ વીજકચેરીને બાનમાં લેતા ત્યાં ઉભેલા ગ્રાહકો અને વીજબોર્ડના કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. મામલાની ગંભીરતા જોઈ નાયબ કાર્યપાલક દ્વારા પોલીસને બોલાવી લેવાતા મામલો બીચકાતા ટોળાએ ભારે હંગામો ઉભો કર્યો હતો.
આ બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર સાંગાણીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે પાવરની ડીમાન્ડ વધવાના કારણે લોકલ લોડ શેડીંગ આવતું હોવાના કારણે અવારનવાર વીજપુરવઠો ખોરવાઈ જાય છે. જેને પૂર્વવત થતા થોડો સમય લાગશે. આ રજૂઆત કરવા આવેલ ટોળાને એક સાથે રજૂઆત કરવાના બદલે બે-ચાર ખેડૂતો રજૂઆત કરે તો યોગ્ય જવાબ આપી શકાય તેમ હતું પરંતુ ટોળાને જોતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી પોલીસ દ્વારા દરમ્યાનગીરી કરવામાં આવી હતી. ઉપરાંત ખજૂરી ગુંદાળા ગામના સરપંચને પૂછતા તેઓએ ઉપરોકત રજૂઆતોને પુષ્ઠી આપી હતી અને જણાવ્યું હતું કે પાવરના પ્રશ્નથી ખેડૂતો ઘણા સમયથી રજૂઆત કરતા હતા તેથી જીઈબીના અધિકારીઓને ખેડૂતોના પ્રશ્ન અંગે રજૂઆત કરી હતી.