(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૨
અમુલ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદ કરવામાં આવતાં દુધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ ૨૦ રૂા.નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે નવા વર્ષના પ્રારંભે જ ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિનો અનુભવ થયો છે. અમુલ ડેરી દ્વારા ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટ ૨૦ રૂા.નો ઘટાડો કરવામાં આવતાં હવે ખેડૂતોને પ્રતિ કિલો ફેટ ૫૯૦ રૂા.નો ભાવ અને ગાયના દૂધમાં ૨૬૮.૨૦ રૂા.નો ભાવ ચૂકવવામાં આવશે. છેલ્લા ચાર માસમાં દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ ૮૦ રૂા.નો ઘટાડો થયો છે. અમુલ દ્વારા ગત જૂન માસ બાદથી દૂધના ભાવમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
આ અંગે સામરખા ગામના દૂધ ઉત્પાદક ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદનનો ખર્ચ સતત વધી રહ્યો છે. દાણ અને ઘાસચારો મોંઘો થવાના કારણે દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. જેની સામે અમુલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં સતત ઘટાડો કરવાના કારણે હવે પશુઓને શું ખવડાવવું તેમજ પરિવારજનોને શું ખવડાવવું તે સવાલ સર્જાયો છે. સામરખાનાં પશુપાલક છગનભાઈ પટેલએ આક્રોસ પ્રકટ કરતા કહ્યું હતું કે, અમુલ દ્વારા છેલ્લા સાડા ત્રણ માસમાં દૂધના ભાવમાં ૫૦થી ૭૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન પહોંચ્યું છે.