(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ રાજ્યભરના તમામ તાલુકાઓમાં કિસાન કલ્યાણ મહોત્સવ યોજવામાં આવી રહ્યા છે. ખેડૂતોના વિકાસ માટે અને તેઓને માર્ગદર્શન મળી રહે તે માટે સરકાર દ્વારા કિસાન કલ્યાણ મહોત્સ્વનું આયોજન તો કરાઈ રહ્યું છે પરંતુ તેમાં યોગ્ય રિસ્પોન્સ-સહકાર મળવાને બદલે ખેડૂતોની નારાજગીને પગલે મહોત્સવનો ફિયાસ્કો થવાના તેમજ વિરોધને લઈ ખેડૂતો રોષે ભરાવવાના બનાવો બની રહ્યા છે. બનાસકાંઠા, ધોરાજી દિયોદર સહિતના સ્થળોએ પાંખી હાજરી-ખુરશીઓ ખાલી રહેવાના અને રાજકોટમાં જૂનાયાર્ડમાં રોષે ભરાયેલા ખેડૂતોએ કૃષિ મહોત્સવનો વિરોધ કર્યો હતો. રાજ્યમાં ખેડૂતો સહકારથી નારાજ હોવાથી છેલ્લા કેટલાક સમયથી બહાર આવતી વાતોને હવે કૃષિ મહોત્સવોના આયોજનોમાં થઈ રહેલ વિરોધ-મંદ પ્રતિસાદની વિગતોથી બળ મળી રહ્યું છે. આજથી રાજ્યના તમામ તાલુકાઓમાં સરકાર દ્વારા કિસાન કલ્યાણ મહોત્સવો યોજાવવાનો પ્રારંભ થયો છે ત્યારે તેમાં ખેડૂતોના નબળા પ્રતિસાદની વિગતો બહાર આવતા રાજ્ય સરકાર ચોંકી ઊઠી છે. રાજકોટના જૂના યાર્ડમાં તો નારાજગીને લઈ રોષે ભરાયેલા ખેડૂતોએ કૃષિ મેળાનો વિરોધ કર્યો હતો. રાજકોટમાં ૬ વાગ્યાથી ચણાનું રજિસ્ટ્રેશન ન થતાં નારાજ ખેડૂતો વિરોધને પગલે કૃષિ મેળો જ બંધ કરાવવા નીકળી પડ્યા હતા. જ્યારે રાજ્યમાં અન્ય કેટલાક સ્થળોએ તો કિસાન કલ્યાણ મહોત્સવમાં નારાજ ખેડૂતો જ ના પહોંચતા ફિયાસ્કો મોટાભાગના થવા પામ્યો છે. સતત ઉત્સવોના તાયફાઓ અને ઉજવણીઓથી કંટાળેલા ખેડૂતો તેમજ પ્રજાજનો હવે સરકારી કાર્યક્રમમાં ફરકતા પણ નથી. જેના કારણે મોટા ઉપાડે જાહેર કરેલા કાર્યક્રમો ફારસ બની રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં આયોજિત કિસાન કલ્યાણ મહોત્સવમાં ખેડૂતોની પાંખી હાજરીને કારણે ખુરશીઓ ખાલી રહી હતી. જેના કારણે અધિકારીઓ મુંઝવણમાં મૂકાયા હતા. બીજી તરફ ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ કિસાન કલ્યાણ મહોત્સવમાં પણ પ૦૦ જેટલી બેઠકો સામે ર૦થી રપ ખેડૂતો આવતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. દિયોદરમાં પણ કિસાન કલ્યાણ મેળામાં ખેડૂતો ફરક્યો જ નહોતા. ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે રખાયેલા સ્ટોલમાં કાગડાઓ ઉડતા હતા. જેના કારણે ગર્લ્સ હોસ્ટેલમાંથી છોકરીઓને બોલાવવી પડી હતી. આમ ખેડૂતોમાં કિસાન મહોત્સવ પ્રત્યે ઉદાસીન રહેતા સરકાર પ્રત્યે નારાજગી હોવાની વિગતો ચર્ચામાં છે. વર્ષ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવા અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે દેશભરમાં આજે કિસાન કલ્યાણ કાર્યશાળા યોજાઈ રહ્યા છે. જેમાં કિસાનોનું કલ્યાણ થાય કે નહીં પણ સરકાર પોતાનું કલ્યાણ કરી દેશે. ચૂંટણીઓને ધ્યાને લઈને ભાજપે પોતાનું રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. જે પમી મે સુધી ચાલશે. દેશભરમાં ખેડૂતો પાકના ભાવ અને પાકવીમાની બુમરાણ પાડી રહ્યા છે ત્યારે સરકાર ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે. એક તાલુકા દીઠ ર.પ૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો ટાર્ગેટ મૂકાયો છે. ગુજરાતમાં જ ર૪૭ તાલુકામાં યોજાનારી કિસાન કલ્યાણ કાર્યશાળા અધિકારીઓને પ૦૦ માણસો હાજર રાખવાના લેખિતમાં આદેશો અપાયા છે. મોદી સરકાર જ્યારે સત્તા પર આવી હતી ત્યારે ખેડૂતોને પડતર કિંમત પર પ૦ ટકા નફો આપવાની મોટી મોટી વાતો વચ્ચે હવે ખેડૂતોને દોઢી કિંમત આપવાના વાયદા કરી રહી છે.