(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૫
રાજ્ય સરકારે ૧પ નવેમ્બરથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી જાહેરાત કર્યા બાદ આજથી રાજ્યના ૧રર સેન્ટરો પરથી મગફળી ખરીદીની શરૂઆત તો કરવામાં આવી પરંતુ સરકારના પ્રતિનિધિઓ દ્વારા ઉચ્ચ ક્વોલિટી અને નમૂના જોવા માટે તમામ મગફળીના ઢગલા કરવાનો આગ્રહ તેમજ ૩૦ કિલોના બદલે ૩પ કિલોની ભરતીનો આગ્રહ રાખતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
ખેડૂતોનું જણાવવું છે કે સીધા વાહનોમાંથી નમૂના લેવામાં આવે તો અમારો કોઈ વિરોધ નથી પરંતુ ઢગલા કર્યા બાદ હલકી ગુણવત્તાના નામે ખરીદી કરવાની ના પાડે તો અમારે મજૂરી મોંઘી પડે. રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે. ચાલુ વર્ષે મગફળીના ટેકાના ભાવ પ્રતિમણ દીઠ રૂ.૧૦૦૦ જાહેર કરાયો છે.ટેકાના ભાવે મગફળની ખરીદી શરુ થતાં જ સૌરાષ્ટ્ર સહિતના માર્કેટ યાર્ડ ખાતે વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતાં. જામ ખંભાળિયામાં ખેડૂતો દ્વારા મગફળી સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બીજી તરફ આજે વહેલી સવારથી મગફળી ખરીદ કેન્દ્રો પર ખેડૂતો મગફળી વેચવા પહોંચ્યાં હતાં. જ્યાં મોટાભાગના વેચાણ કેન્દ્રો પર સવારના ૧૦ વાગ્યા સુધી કોઈ અધિકારી દેખાયા ન હતાં. જેથી ખેડૂતોએ આ ખરીદી કેન્દ્રમાં વ્યવસ્થા સંભાળતા અધિકારીઓની નિષ્ફળતા સામે બળાપો કાઢ્યો હતો. જવાબદાર અધિકારીઓએ દોષનો ટોપલો બારદાન પહોચાડતા કોન્ટ્રાકટર પર ઢોળ્યો હતો અને ખરીદીકેન્દ્ર પર બારદાન પહોંચ્યા ન હોવાનો લૂલો બચાવ રજુ કર્યો હતો.
મોરબી યાર્ડ ખાતે આજે વહેલી સવારે મગફળી વેચવા પહોંચેલા ખેડૂતોને મગફળી વેચ્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. સરકારના પ્રતિનિધિઓ દ્વારા મગફળી માટે ઉચ્ચ ગુણવત્તાના નમૂના માટે મગફળીના ઢગલા કરવા હઠાગ્રહ સેવવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા હતાં.
ખુલ્લા મેદાનમાં મગફળીના ઢગલા કરવાના આગ્રહ સામે ખેડૂતોનું કહેવુ છે કે, ટ્રેકટરમાંથી નમૂના લેવામાં આવે તેનો કોઈ વિરોધ નથી પરંતુ ઢગલા કર્યા બાદ ખેડૂતોને કહેવામાં આવે છે કે, આ મગફળી હલકી ગુણવત્તાની છે જેથી
ખરીદી નહીં શકાય. ત્યારે માલ ઠાલવવાની અને પાછો ભરવાની મજૂરી ખર્ચ કોણ ચૂકવશે? જેથી મગફળી વેચવાના બદલે ખેડૂતો યાર્ડ છોડી ચાલ્યા ગયાં હતાં. બનાસકાંઠા જિલ્લામાં પણ ખેડૂતોએ મગફળી કેન્દ્રો પર લાઈનો લગાવી દીધી હતી પરંતુ સરકારી બારદાન ન આવતા ખરીદી શરૂ થઈ શકી ન હતી. ખેડૂતોએ કલાકો સુધી રાહ જોવી પડતાં રોષ વ્યાપી ગયો હતો. બનાસકાંઠા જિલ્લામાં ૩ હજાર જેટલા ખેડૂતોએ જ ઓનલાઈન મગફળી વેચવાની નોંધણી કરાવી હતી. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, ભાણવડ અને ભાટિયા કેન્દ્ર પર ટેકાની મગફળી ખરીદી કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. અહીં પણ અધિકારીઓ મોડા આવતા ખરીદી મોડી ચાલુ થઈ હતી. સરકારે મગફળીની ખરીદીની જાહેરાત કરી ત્યારે પ્રતિ બોરી ૩૦ કિલોગ્રામ મગફળીની ભરતી ફરજિયાત કરી હતી. પરંતુ ખરીદીની શરૂઆત કરી ત્યારે ૩પ કિલોગ્રામ ભરતી કરવાની ફરજિયાત કરતા ખેડૂતો રોષે ભરાયા હતા અને ૩પ કિલોગ્રામ ભરતીની માંગ કરી સરકારે સાબિત કર્યું છે કે મગફળી ખરીદવાની દાનત જ નથી. આમ કહી રોષે ભરાયેલા ખેડૂતોએ મગફળી પાછી લઈ જવી એના કરતા સળગાવી નાખવી સારી એમ કહી મગફળીની હોળી કરી હતી.