ભોપાલ, તા. ૪
ભાજપ શાસિત મધ્યપ્રદેશના ટિકમગઢ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગને લઇ ખેડૂતો પ્રદર્શનકરી રહ્યા હતા જોકે, આ દરમિયાન ખેડૂતોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ખેડૂતોને પોલીસ સ્ટેશનમાં લાવી તેમના કપડાં ઉતારી માર મારવામાં આવ્યો છે. ખેડૂતો કોંગ્રેસના નેતાઓ સાથે મળીને કલેક્ટરને આવેદનપત્ર સોંપવાની માગ કરી રહ્યા હતા. પોલીસે તેમને ત્યાંથી ખસેડવા માટે લાઠીચાર્જ સાથે ટીયરગેસના શેલ પણ છોડ્યા હતા. આ દરમિયાન મધ્યપ્રદેશ સરકારે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓ પ્રદર્શન કરીને તેમના ગામ દુનાતર પરત ફરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોકી લીધા હતા અને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા તથા કપડાં ઉતારીને નિર્દયી રીતે માર માર્યો હતો. સ્થાનિક અહેવાલો અનુસાર યુવા કોંગ્રેસના ખેત બચાવો-કિસાન બચાવો અભિયાન અંતર્ગત હજારોની સંખ્યામાં ખેડૂતો ટીકમગઢ જિલ્લાને દુકાળગ્રસ્ત કરવાની માગ કરી રહ્યા હતા. યુવા કોંગ્રેસના રાજ્ય પ્રમુખ કુણાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, કલેક્ટરે અમારામાંથીત્રણ લોકોને ઓફિસમાં આવવાની પરવાનગી આપતા આદેવન આપવા માટે કહ્યું હતું અને તેથી અમે કલેક્ટર ઓફિસ પહોંચીને તેમને ટીકમગઢને દુકાળગ્રસ્ત જાહેર કરવા મામલે આવેદન સોંપવા માગતા હતા. પરંતુ જ્યારે અમે ત્યાં જઇ રહ્યા હતા ત્યારે પોલીસે બેરીકેડ લગાવી અમારો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કુણાલ અને ખેડૂતો ત્યાં જ ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા હતા અને કલેક્ટરને આગ્રહ કરવા લાગ્યા કે, તેઓ બહાર આવીને આવેદન સ્વીકાર કરી લે. આ દરમિયાન પોલીસે આવીને ખેડૂતો પર લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો અને ટીયરગેસના શેલ છોડ્યા હતા. એટલું જ નહીં ખેડૂતોને કલેક્ટર ઓફિસ નજીકથી ખસેડવા માટે તેમણે પાણીનો મારો પણ ચલાવ્યો હતો. ત્યારબાદ પોલીસે ખેડૂતોને પકડીને પોલીસ સ્ટેશન લઇ જઇ તેમના કપડાં ઉતારીને ઢોર માર માર્યો હતો.