(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૩૦
રાજ્યમાં આ વર્ષે સતત અને સારો વરસાદ જારી રહેતા ઠેર-ઠેર પાણી-પાણી થઈ જવા પામ્યું છે. અત્યારસુધીમાં રાજ્યભરમાં ૧૩પ ટકા જેટલો વરસાદ પડી જતાં તેની સૌથી વધુ અસર ખેડૂતોને થવા પામી હોઈ રાજ્ય સરકારના કૃષિ મંત્રીએ વીમા કંપનીઓને ખેડૂતોના નુકસાન અંગેનો સર્વે કરવાના આદેશો જારી કર્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
આસો મહિનો બેઠો પણ મેઘરાજા હજુ પણ અષાઢ મહિનો હોય તે રીતે વરસી રહ્યાં છે. રાજ્યમાં અત્યારે ૧૩૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના પગલે ખેતરો નદીમાં પરિવર્તીત થઈ ગઈ છે. પરંતુ તેનો ભોગ જગતના તાત બની રહ્યાં છે. ત્યારે કૃષિ મંત્રીએ વીમા કંપનીઓને સર્વેનો આદેશ આપ્યો હોવાનું જણાવી થોડી રાહત આપી છે. ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે કેટલાક જિલ્લામાં ખરીફ પાકને નુકશાન થયું છે. સાથે જ હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું છે. જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જે ખેડૂતોએ વીમો ભર્યો છે, તેવા ખેડૂતો માટે આંશિક રાહતના સમાચાર એ છે કે કૃષિમંત્રી આરસી ફળદુએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ અંગે વીમા કંપનીઓને સર્વે માટે આદેશ આપ્યા છે. સર્વે બાદ વીમા કંપનીઓ પોતાનો રિપોર્ટ સરકારને સોંપસે. ત્યારબાદ સરકાર ખેડૂતોને નુકસાનનું વળતર ચુકવશે તેવી હૈયાધારણ આપી છે. ગુજરાતમાં ચોમાસું સિઝનમાં પાછોતરા વરસાદથી ખેડૂતોના પાકો ઉપર વિપરીત અસર પડી છે. ખેડૂતોના કપાસનો પાક તૈયાર થવાની અણીયે સતત વરસાદના કારણે બળવા લાગ્યો છે અને કાળા પડી જવાના શરૂ થયા છે. સાથે સાથે મગફળીનો પાક પણ જમીનમા કોહવાઇ રહ્યો છે. સતત વરસાદથી બાજરીનો પાક નિષ્ફળ થયો છે. તો એરંડામાં ૩૦થી ૪૦ ટકાનું નુકસાનની શક્યતા છે. કપાસ, મગ, મઠ અડદ, તલના પાકને વ્યાપક નુકસાનની શક્યતા છે.
રાજ્યના ૧૩ જિલ્લામાં ૨.૮૫ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું હોવાની શક્યતા છે. એક આંકડા મુજબ રાજ્યમાં ૧૩.૬૬ લાખ હેક્ટરમાં ૧૦૧ ટકા ખરીફ વાવેતર થયું છે. ૭૦ ટકા વિસ્તારમાં કઠોળ, ૧૦૪ ટકા વિસ્તારમાં તેલીબીયા, ૧૦૪ ટકા વિસ્તારમાં અન્ય પાકનું વાવેતર થયુ છે. જો વરસાદ હવે નહી અટકે તો કેટલાક પાકની કાપણી અટકી શકવાની પૂરેપૂરી સંભાવના છે. નવરાત્રી અને દિવાળીના તહેવારોમા રોકડીયા પાક તરીકે ગણાતો અડદનો પાક પણ સતત વરસાદના કારણે નષ્ટ થઇ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. હજુ એક સપ્તાહ એટલે કે દશેરા સુધી આ જ રીતે વરસાદ પડે તો ખેડૂતોનો ૭૦થી ૮૦ ટકા પાક બગડશે અને તેમની દિવાળી બગડશે તે ચોક્કસ જણાય છે.