(સંવાદદાતા દ્વારા) વાગરા, તા.૨૩
વાગરા તાલુકામાં તુવેર અને મગનું વાવેતર મબલખ થાય છે. પરંતુ પાકનો ઉચિત ભાવ નહીં મળતા ખેડૂતોની સ્થિતિ વિકટ બનતી જાય છે. રાજ્ય સરકારે શિયાળુ મગની ઓનલાઈન મંજૂરી નહીં આપતા ખેડૂત રઘવાયો બન્યો છે. નજીકના દિવસોમાં ખેડૂત રસ્તા પર ઉતરશેના એંધાણ વર્તાઈ રહ્યા છે.
વાગરા તાલુકામાં મગ,મઠીયા અને તુવેરનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આખું વર્ષ ટાઢ, તડકો અને વરસાદને સહન કરી આકરી મેહનત કરતા ખેડૂતની હાલત દિવસેને દિવસે બગડતી જાય છે. ઉત્પાદન કર્યા બાદ બજારમાં માલનો યોગ્ય ભાવ નહીં મળતા જગતના તાતને ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે. ખેડૂતોને ટેકાના ભાવ રાજ્ય સરકારે જાહેર કર્યા છે, પરંતુ શિયાળુ મગની ખરીદી માટે ઓનલાઈન નોંધણી પુનઃ શરૂ કરવા ખેડૂતએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા સાથે ગાંધીનગર ખાતે પણ અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં જગતના તાતની વાતને કાને ધરવા કોઈની પાસે ટાઈમ નથી. માત્ર વાગરા તાલુકામાં શિયાળુ મગનું વાવેતર ૫૦૦૦ હજાર હેકટરથી વધુ જ્યારે બાજુનો આમોદ તાલુકામાં ૧૦૦૦ હેકટર જેટલું વાવેતર થયુ છે. રાજ્ય સરકારના મગના ટેકાના ભાવ સામે બજારમાં વેપારીઓ દ્ધારા ખરીદ કિંમતમાં મોટો તફાવત હોવાથી ખેડૂતને કવીંટલે ૧૭૦૦/- રૂપિયાનો ફટકો પડે છે.વાગરા ખાતે જો રાજ્ય સરકાર વિધિવત રીતે મગ ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની મંજૂરી આપે તો ખેડૂતોના લાખો રૂપિયા બચશે.જો આમ નહીં થાય તો કેટલાયે ખેડૂતોએ આર્થિક રીતે પડી ભાંગશે. હાલ તો સીઝન ના વાયદે લીધેલ બિયારણ અને જંતુનાશક દવાઓના રૂપિયા ચૂકવવા મજબુરી વશ થઈ કેટલાક ખેડૂતો ઓછા ભાવમાં પોતાનો મહામુલો માલ આપી રહ્યો છે. ખેડૂતોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળ્યો હતો. જો સરકાર ખેડૂતોની વાત તાકીદે ધ્યાન પર નહીં લે તો નજીકના દિવસોમાં ખેડૂતો માર્ગ પર ઉતરી આંદોલન કરે તેવા ભણકારા વાગી રહ્યા છે.
વાલિયાથી વાગરા ખાતે ટેકાના ભાવે મગ ખરીદવાનું કેન્દ્ર પાંચ ફેબ્રુઆરીના રોજ ખસેડવામાં આવ્યું હતું. પરંતુ સતત ૧૦ દિવસ ખરીદ કેન્દ્ર બંધ રહેતા નોંધણી કરાવેલ ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા.કારણ કે ૨૪ તારીખે છેલ્લો દિવસ હોવાથી ખેડૂતની પરિસ્થિતિ ન ઘરની કે ન ઘાટની થવા પામી છે. ખરીદીના દિવસોએ કેન્દ્ર બંધ રાખી ખેડૂતો સાથે મમત કરનાર અધિકારીઓ સામે સરકાર પગલાં લેશે ? કે બંધ દરમિયાનના દિવસો વધારી આપી સરકાર ખેડૂતોની પડખે ઊભી રહશે ? જેવા અનેક સવાલો ખેડતોના મનમાં ઉદભવી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં મગનુ સૌથી વધુ વાવેતર વાગરા અને આમોદમાં થયું છે. તેમ છતાં વાલિયાને ખરીદ કેન્દ્ર ફાળવતા ૩૦૦૦થી વધુ ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાથી વંચિત રહ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર વાગરા ખાતે ઓનલાઈન રજિસ્ટ્રેશનને ત્વરિત મંજૂરી આપે. નહીં તો જગતનો તાત પાયમાલ થશે એ માટે સરકાર જવાબદાર રહેશે. તેમ ભારતીય કિશાન સંઘના વાગરા તાલુકા પ્રમુખ સત્યમસિંહ રાજે જણાવ્યું હતું.