(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧ર
ગુજરાતના ખેડૂતો પર કુદરતનો કહેર જારી રહ્યો હોય તેમ સૌ પ્રથમ મોડો વરસાદ ઓછો વરસાદ, અતિવૃષ્ટિ બાદ વાવાઝોડુ અને કમોસમી વરસાદથી પડતા પર પાટુ જેવો ઘાટ સર્જ્યો છે. કેટલાક વિસ્તારમાં વાવણી જ થઈ શકી નથી જ્યારે જ્યાં જ્યાં વાવણી શકય બની ત્યાં પાછોતરા વરસાદમાં અને કમોસમી વરસાદમા પાણી ફરી વળ્યું જ્યારે કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં ઊભો પાક નિષ્ફળ નીવડ્યો છે. ત્યાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ફરી કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
રાજ્યના સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ તથા કચ્છ, ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા તથા પાટણ જિલ્લાના તાલુકાઓમાં કમોસમી વરસાદ પડતા ઘઉં, ચણા રાયડુ, જીરૂ, એરંડા, કપાસ, મરચા ડુંગળી, લસણ, સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમ વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોના ખેતરમાં ઊભા શિયાળુ પાકને ભારે નુકસાન થવાની ભીંતિ છે.
મહેસાણાના બહુચરાજીમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ અને કાળાડિબાંગ વાદળો વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં શીતલહેર પ્રસરી હતી.
કચ્છના વાગડ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને આથી ખેતરોમાં પાણી ભરાયા છે. વાગડ વિસ્તારના ખડીર, કુડા, રામવાવ, ગવરીપર, ખેંગાપર, સુવાઈ, સાનગઢ વગેરે વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે. વાગડ વિસ્તારમાં ખેડૂતો રવિ સિઝનમાં જીરૂનું વાવેતર કરે છે. કચ્છના ખેડૂતો લીલા દુષ્કાળનો માર હજુ ભૂલ્યા નથી. ત્યાં હવે વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત થયા છે. બનાસકાંઠાના સુઈગામ વિસ્તારના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. પવનના સુસવાટા સાથે ધોધમાર વારસાદ પડ્યા હતા સાથે કરા પણ. જો કે વરસાદને કારણે દિવેલા, જીરૂ, અને રાયડાના પાકને નુકસાન થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. પાકને નુકસાન થવાને પરિણામે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.
સૌરાષ્ટ્રના કેટલાક પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગોંડલમાં પણ વરસાદી ઝાપટું વરસ્યું છે. ગોંડલ રાજકોટ હાઈવે પર ભરૂડી ટોલનાકા પાસે ધોધમાર વરસાોદ વરસ્યો છે. જામનગરના લાલપુર પંથકમાં તથા કાલાવડ પંથકમાં કમોસમી વરસાદથી ઘાસચારા અને રવિપાકને નુકસાનની ભીંતિ સેવાઈ રહી છે.
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે સામાન્ય લોકોના જીવન પર પણ માઠી અસર થઈ છે. મોંઘવારી દિવસે દિવસે આસમાને પહોંચી રહી છે અને સામાન્ય વર્ગના લોકોના ખિસ્સા પર વધુ ભાર પડી રહ્યો છે. એવી પરિસ્થિતિમાં વધુ હેરાન કરે એવા સમાચાર દ્વારકા જિલ્લાથી આવ્યા છે. જ્યાં ખંભાળિયાના સલાયા ગામે કમોસમી વરસાદ થયો છે. આ કમોસમી વરસાદે સ્થાનિક ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ઘઉં અને ચણાના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. ખંભાળિયા તાલુકાના સલાયા ગામ સિવાય નજીકના ગામોમાં પણ વાતાવરણમાં પલટો થતા કમોસમી વરસાદી છાંટા જોવા મળ્યા હતા. તેથી ખેતરમાં શિયાળુ ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. આ સિવાય બનાસકાંઠાના થરાદમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા છે. વાવ, સુઈગામ સહિતના પંથકમાં કમોસમી વરસાદ થયો છે. તેથી રાયડું, જીરૂ, એરંડાના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે.
રાજકોટના કોટડાસાંગાણી, સોળિયા, ભાડવા, નવાગામ સહિતના પંથકમાં પણ કમોસમી વરસાદ થયો છે. જેથી કપાસ, મરચી, ડુંગળી, લસણ, ચણાના પાકને નુકસાન થવાની ભીતિ છે. ઉપરાંત પાટણમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સાંતલપુર, અભિયાણા, ગડસઈ, લીમગામડામાં કમોસમી ઝરમર વરસાદ થયો છે. તેથી જીરૂં, એરંડા, કપાસના પાકને નુકસાનની ભીતિ સેવાઇ છે.