(સંવાદદાતા દ્વારા) માળિયામિયાણા, તા.રર
માળીયામિંયાણા તાલુકાને પાકવિમામાં કુર મજાક સમાન ૩૫ ટકા જેટલો વિમો મળતા આજે સરવડ ગામે યોજાયેલી બેઠકમાં ૪૪ ગામના ખેડૂતોએ સરકાર સામે ઉગ્ર આકોશ વ્યક્ત કર્યો હતો તેમજ આગામી ૨૬મીએ ખેડૂત હિત રક્ષક સમિતિની બેઠકમાં સરકાર સામે લડત ચલાવવાની રણનીતિ ઘડવાની તૈયારી બતાવી હતી. પ્રાપ્ત વિગત મુજબ મોરબી જિલ્લાના સૌથી વધુ અછતગ્રસ્ત માળીયા તાલુકાને સરકારે જાહેર કરેલા પાક વિમામાં મોટો અન્યાય થયો હોય જેથી ખેડૂતો લાલઘુમ થઈ ગયા છે અને આજે માળીયાના સરવડ ગામે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચિખલીયાની આગેવાની હેઠળ ખેડૂત હિત રક્ષક સમિતિની મળેલી બેઠકમાં ૪૪ ગામના ખેડૂતોએ એક સુરે સરકારની આ અંડાગંડા નીતિને વખોડી કાઢી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આગામી ૨૬મીએ ખેડૂત હિત રક્ષક સમિતિની બેઠકમાં સરકાર સામે કેવી રીતે લડત ચલાવવી તે અંગેની રણનીતિ ઘડાશે તેવો આજની બેઠકમાં હુંકાર કર્યો હતો માળિયા પંથકમાં ગત વર્ષે નહિવત વરસાદ પડ્યો હતો જેથી માળિયા તાલુકો ઓછા વરસાદને કારણે સુકોભઠ્ઠ રહેતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જતા સરકારી તંત્ર સફાળુ જાગી તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો હતો. પરંતુ તાજેતરમાં સરકારે પાકવિમાના જાહેર કરેલા આંકડામાં માળીયા તાલુકાને માત્ર ૩૫ ટકા જેટલો પાકવીમો મળ્યો છે જેથી માળિયા તાલુકાને સરકારે હળાહળ અન્યાય કરીને ક્રૂર મજાક કરી હોવાની ખેડૂતોમાં રાવ ઉઠવા પામી છે. સમગ્ર તાલુકામાં મોટાપાયે પાકવિમામાં અન્યાય થવાથી આ તાલુકાના ખેડૂતોમાં સરકાર સામે ઉગ્ર રોષ ભભુકી ઉઠ્યો છે.