(એજન્સી) પાલઘર, તા.૪
રવિવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોની એક સંયુક્ત બેઠક યોજાઈ હતી, કે જેમાં કેન્દ્ર દ્વારા ત્રણ મુખ્ય યોજના માટે કરવામાં આવેલ જમીન સંપાદનનો વિરોધ કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ત્રણ મુખ્ય યોજનાઓમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન, મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઈવે અને માલ વાહનો માટેના રસ્તાનો સમાવેશ થાય છે કે જેને મંજૂર કરી દેવામાં આવી છે.
આ બેઠકમાં ભૂમિ અધિગ્રહણ આંદોલન સમિતિ, મહારાષ્ટ્ર રાજ્ય કિસાન સભા, પર્યાવરણ સુરક્ષા સમિતિ અને જન આંદોલન રાષ્ટ્રીય અભિયાન જેવી ખેડૂતોની ઘણી બધી સંસ્થાઓએ ભાગ લીધો હતો. ગુજરાતમાંથી એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ અને ખેડૂત સમાજ ગુજરાત જેવા ખેડૂતોના ટોચના પ્રતિનિધિ મંડળોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.
એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના હસમુખ ભટ્ટે જણાવ્યું કે, ગુજરાતમાં હજુ સુધી આપણે સમગ્ર રાજ્યના ખેડૂતોને એક મંચ પર લાવવાના બાકી છે. સમગ્ર મહારાષ્ટ્રના ખેડૂતો કે જેઓ આ યોજનાઓથી પ્રભાવિત થયા છે, તેમણે સંકલ્પ લીધો છે કે તેઓ કોઈપણ સંજોગોમાં તેમની જમીનો આ યોજનાઓ માટે આપશે નહીં.