અમદવાદ, તા.રપ
અરબી સમુદ્રમાં ‘કયાર’ નામનું વાવાઝોડુ સક્રિય થયુ છે. આ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યુ છે. વાવાઝોડું દર છ કલાકે સાત કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી ૧૨ કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બની શકે છે. વાવાઝોડાને કારણે ખેડૂતોના તૈયાર પાકને વધારે નુકસાન થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાની મુલાકાત લેવા માંગતા પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. હાલ ૭૦ થી ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડું વધુ મજબૂત બન્યા બાદ ઓમાન તરફ ફંટાશે. જોકે, વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકિનારે જોવા મળશે. આ કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે સાથે બંદરો પર એક નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ‘કયાર’ વાવાઝોડાની અસર ગુજરાતના ભરૂચ, ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં જોવા મળશે. આ દરમિયાન આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે આપી છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થતા જ પવનની ગતિ તેજ થઈ છે. જોકે, વાવાઝોડું ઓમાન તરફ જવાનું છે. પરંતુ એ પહેલા ‘કયાર’ મહારાષ્ટ્ર તરફ આવશે. આ કારણે દરિયા કિનારે ખૂબ તેજ ગતિથી પવન ફૂંકાશે. પવનને કારણે વૃક્ષો તેમજ કાચા મકાનોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત તૈયાર થયેલા પાકને પણ નુકસાનનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં મગફળીના તૈયાર પાકને વાવાઝોડા અને વરસાદને કારણે વધારે નુકસાન થશે. ‘કયાર’ વાવાઝોડાની સૌથી વધારે અસર ગોવા અને મહારાષ્ટ્રના દરિયા કિનારે થશે. આજ કારણે ગોવા અને મહારાષ્ટ્ર જવાની તૈયારી કરી રહેલા લોકોને મુશ્કેલી નડી શકે છે. વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ નજીક આવશે ત્યારે દરિયા કિનારે ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે.
અરબી સમુદ્રમાં ‘કયાર’ નામનું વાવાઝોડું સક્રિય થતાં ખેડૂતોની દિવાળી બગડવાની ભીતિ

Recent Comments