(એજન્સી) નવી દિલ્હી, તા.ર
કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિઓની વિરૂદ્ધ રાષ્ટ્રીય ખેડૂત મહાસંઘ દ્વારા બોલાવવામાં આવેલી રાષ્ટ્રવ્યાપી હડતાળનો આજે બીજો દિવસ છે. દેશના સાત રાજ્યોમાં ચાલી રહેલી આ હડતાળમાં ૧૩૦ સંગઠન સામેલ છે. આજે પણ ઘણાં સ્થળો પર પ્રદર્શન થાય તેવા અણસાર છે. હડતાળના પ્રથમ દિવસે ખેડૂતોના રોષની તસવીર સામે આવી. ક્યાંક ખેડૂતોએ રસ્તાઓ પર દૂધ વહેવડાવ્યું તો કોઈ રાજ્યમાં શાકભાજીઓને રસ્તામાં ફેંકી દેવામાં આવી. ખેડૂતોનું આ ૧૦ દિવસીય આંદોલન શાકભાજીઓના લઘુત્તમ ભાવ, ટેકાના ભાવ અને લઘુત્તમ આવક સહિત ઘણાં મુદ્દાઓ માટે કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની એવી પણ માગણી છે કે દૂધની કિંમતો પેટ્રોલ જેટલી હોય. ખેડૂતોનો આરોપ છે કે સ્વામિનાથન આયોગની ભલામણો વિશે આ સરકાર વાત જ નથી કરતી. વર્ષ ર૦૦૬માં જે ભલામણો સ્વામિનાથન આયોગે કરી હતી, તે ૧૧ સપ્ટેમ્બર ર૦૦૭ના રોજ જ કોંગ્રેસ સરકારે સ્વીકારી લીધી હતી. ખેડૂતોનો દાવો છે કે મોદીએ પણ ખેડૂતોના સુધારાની વાત કહી, પરંતુ તેણે પણ તે બાબતે ચૂંટણીના જુમલાઓ કહીને છોડી દીધા. ખેડૂતોનો આરોપ છે કે કોઈને પણ તેમની ચિંતા નથી. તેથી આ આંદોલન થઈ રહ્યું છે. દિલ્હીના ગાજીપુરના શાકમાર્કેટમાં શાકભાજીના જથ્થાબંધ ભાવમાં પણ વધારો થયો છે.

શાકભાજી ભાવ પ્રતિકિલો
કાલ આજ
બટાટા ૧૬ ૧૮
ડુંગળી ૧ર ૧૪
ટામેટા ૦૭ ૧૮
કોબીજ ૦ર ૦૪
શિમલા મરચું ૦૭ ૧૦