(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના છીત્રા ગામમાં કેરીની ભાગબટાઇમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એક ખેડૂતની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. આ હત્યાના પગલે ખેડૂતના પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી જવા પામી છે.
જ્યારે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના એક ખેડૂતની આંબાની વાડી બારડોલી તાલુકાના છીત્રા ગામે આવેલ હતી. આ વાડી એક વ્યક્તિને તેણે ભાડેથી આપી હતી. જે બદલ ભાડુઆતે ખેડૂતને ૪૦ હજાર રૂપિયાની કિંમતની ૭ મણ કેરી આપી હતી. ત્યારે ખેડૂતે વધુ ૮ મણ કેરીની માંગ કરી હતી. જોકે ભાગીયાએ કેરીઓ આપવાનો ઈન્કાર કરતા બન્ને વચ્ચે છેલ્લા બે-ત્રણ દિવસથી માથાકૂટ ચાલી રહી હતી. જેના કારણે ભાગીયાએ ખેડૂતની હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. ખેતરના શેઢા પર જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ખેડૂતની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર છે. આ મામલે અત્યારે પોલીસે ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.