પાટણ,તા.૧૭
રાજય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા લાભપાંચમના દિવસથી નર્મદાની મુખ્ય કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરી હતી પરંતુ ૧૦ દિવસ બાદ પણ પાણી છોડવામાં નહીં આવતા રાજયના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરના મતવિસ્તાર એવા ચાણસ્મા તાલુકાના ર૬ ગામોના ખેડૂતોએ આજે ખોરસમ પંપીંગ સ્ટેશન ઉપર હલ્લાબોલ કર્યો હતો અને ખેડૂતોને સિંચાઈનું પાણી ન આપવું હોય તો ખોસ્સમ પંપીંગ સેન્ટર પરથી અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન મારફત પાટણ સહિતના શહેરો અને ગામોને અપાતું નર્મદાનું પીવાનું પાણી પણ બંધ કરો તેવી માગણી સાથે ધરણા પર બેસી ગયા હતા. જાણ થતા જ સિંચાઈ વિભાગ વહીવટીતંત્રના અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ચાણસ્મા તાલુકામાં ચોમાસુ નિષ્ફળ જતા સરકારે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે. સિંચાઈ માટે પાતાળ કૂવાઓ ઉપર માત્ર આઠ કલાકથી ફ્રેઝ વીજપુરવઠો આપવામાં આવે છે જે પર્યાપ્ત નથી. તાલુકામાં પશુધન બચાવવા તેમજ ખેતીમાં સિંચાઈ માટે આજદીન સુધી પૂરતું પાણી નહીં મળવાના કારણેઅહીંનો ખેડૂત વર્તમાન સરકાર સામે ખફા છે. આ તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલના કાંઠે આવેલા ખેડૂતો માટે મેઈન કેનાલમાંથી પંપીંગ મશીનરી દ્વારા પાણી ખેંચવાની તંત્ર દ્વારા મનાઈ ફરમાવાઈ છે જયારે પેટા અને તેના તાબા નીચેની માઈનોર કેનાલોમાંથી હજુ સુધી તાલુકાના ર૬ જેટલા ગામોને સિંચાઈ માટે પાણી મળ્યું નથી.