(સંવાદદાતા દ્વારા) બોડેલી,તા.રપ
બોડેલી બજાર સમિતિના સરકારી વજન કાંટા પર કપાસનું વજન ઓછું આવતા ખેડૂતોએ બે કલાક કપાસની હરાજી અટકાવી એ.પી.એમ.સી કચેરી પર હોબાળો મચાવ્યો હતો. એ.પી.એમ.સી. વેપારીઓ દલાલ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.
બોડેલી બજાર સમિતિમાં હરાજીમાં આવેલ બારિયા નરસિંહભાઈ (રહે.સીમળિયા, તા.બોડેલી) કપાસની બોલી બાદ કપાસનું બોડેલી બજાર સમિતિના સરકારી વજન કાંટા ઉપર વજન કરાવતા ર૩.૧પ ક્વિન્ટલ ઓછું થયું હતું. શંકા જતા તેઓ બોડેલીમાં બે ખાનગી વજન કરાવતા ર૩.૬૦ ક્વિન્ટલ વજન આવ્યું હતું. જેને લઈ નરસિંહભાઈ બોડેલી બજાર સમિતિના વજન કાંટા ઉપર ઉદાપોદ કરતા બીજા ખેડૂતો ભેગા થઈ ગયા હતા. આ વજન કાંટા ઉપરથી અમુકને કોમ્પ્યુટરરાઇઝ વજન પાવતી આપવામાં આવે છે અને અમુકને હાથથી લખેલી જ આપવામાં આવે છે. તેવું જણાવેલ હતું. આમ ખેડૂતોને આર્થિક નુકસાન થતા મોટી સંખ્યામાં ખેડૂતોએ હરાજી અટકાવી બોડેલી બજાર સમિતિની ઓફિસે નારા બાજી કરી હલ્લાબોલ કરી હોબાળો મચાવ્યો હતો. જેના પગલે બોડેલી બજાર સમિતિના ચેરમેન દોડી આવ્યા હતા.જો ખેડૂત કપાસ નાણાં વેચાણના દિવસે જ માગે તો વેપારીઓ એકથી ત્રણ ટકા વટાવ કાપીને ખેડૂતોને નાણાં ચૂકવે છે. આ પ્રથાનો વિરોધ કરી બંધ કરવા માંગ કરી છે.