નડિયાદ, તા.૧ર
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે રૂા.૧૦.૬૪ કરોડના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલનું લોકાર્પણ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રમતવીરોને બિરદાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, ર૦૧૦થી હાલના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. જેના કારણે ર૦૧૪ના નેશનલ કક્ષાની હરિફાઈમાં ગુજરાતને તેના રમત-ગમતના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ૧૦ ગોલ્ડ મળ્યા છે. મંત્રીએ તેમનો ભૂતકાળ યાદ કરતાં જણાવ્યું હતું કે, હું પણ ગુજરાત કોલેજની ક્રિકેટ ટીમમાં વિકેટ કીપર હતો અને ૧૦ કિલો મીટરનું રનીંગ તે વખતે કરતો હતો. જેથી આજે પણ સતત કામ કરવાની પ્રેરણા અને હાર-જીત પચાવવાની ક્ષમતા ખીલી છે. હાર-જીત મહત્ત્વની નથી પણ વ્યક્તિના જીવનમાં ખેલ ભાવના સંઘ ભાવનાના ગુણોનો વિકાસ થાય છે.
વિધાનસભાના મુખ્ય દંડશ્રી પંકજકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે, ર૧ એકર જમીનમાં રૂા.૭૦ કરોડથી વધુના ખર્ચે શ્રેષ્ઠ રમત સંકુલનું નિર્માણ થયું છે ત્યારે રાજ્યના નવા યુવાનો અને રમતવીરોને રમતના વિકાસ માટે અદ્યતન સુવિધાસભર અને સાધન સંપન્ન સંકુલ મળી રહ્યા છે તેનું યશ ગુજરાતને જાય છે.
સાંસદ દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, રમતવીરો માટે ર૦૧૦ના ખેલમહાકુંભથી રૂા.પ૦ કરોડના બજેટથી રૂા.૬૦૦ કરોડનું બજેટ કરવામાં આવ્યું છે અને તેનો સીધો લાભ ગુજરાતના રમતવીરોને થયો છે.
યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવ એ.પી.પટેલએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે આભારદર્શન સિનિયર કોચ પંડયાએ કર્યું હતું.
આ પ્રસંગે માતર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જિલ્લા કલેક્ટર ડૉ.કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી સુધીર પટેલ, જિલ્લા પોલીસ વડા મનિન્દરસિંહ પવાર, ઉપસ્થિત રહ્યા હતા.