ભાવનગર, તા.૧૨
ભાવનગર શહેરનાં બોરતળાવ વિસ્તારમાં રામજી મંદિર પાસે પ્લોટ નં. ૪૧-એમાં રહેતા સંજય ધનજીભાઇ મેર (ઉ.૨૭) ઉપર શહેરનાં જ્વેલર્સ સર્કલ નજીક ઇસ્કોન ક્લબ રોડ ઉપર બે શખ્સો તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરી નાસી છૂટ્યા હતા. મૃતક જે યુવતીને પ્રેમ કરતો હતો તેની સાથે હત્યા કરનાર શખ્સ પણ પ્રેમ કરતો હતો. એક ફૂલ દો માલી જેવી આ ઘટનામાં સંજય અને આરોપી વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં સંજયને આરોપી અને તેની સાથે રહેલા શખ્સે મળી તીક્ષ્ણ હથિયારના ઘા મારી પતાવી દીધો હતો.બનાવની જાણ થતાં જ ડી. ડીવીઝન પોલીસ, એલ.સી.બી. પોલીસ, એફ.એલ. એસ. ની ટીમ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતક સંજયનાં ભાઇ ધર્મેન્દ્ર ધનજીભાઇ મેરે ડી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મેહુલ ઉર્ફે કાનો સોડાભાઇ બાબરીયા અને મેહુલનાં મિત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યુ હતું કે મૃતક તેનાં ભાઇ સંજયને અને આરોપી મેહુલને ફુલસર વિસ્તારમાં રહેતી શીતલ નામની યુવતી સાથે પ્રેમસંબંધો હતો. આ બાબતે બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડો થયો હતો અને ગત મોડી રાત્રે મેહુલ અને તેના મિત્રએ સંજય ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતું.
પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પી.આઈ.ડી.જી. પટેલ સહિતના પોલીસ કાફલાએ ઘટનાની ગણતરીની મિનિટોમાં જ મેહૂલ ઉર્ફે કાનો સોંડા મેરને ઝડપી લઈ લોક અપ હવાલે કર્યો હતો.