નવી દિલ્હી, તા.ર૬
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન કોહલીના નામે વધુ એક સિદ્ધિ જોડાઈ શકે છે. બીસીસીઆઈએ તેનું નામ દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર “રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ” માટે મોકલ્યું છે જ્યારે પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરનું નામ ધ્યાનચંદ્ર એવોર્ડ માટે મોકલ્યું છે. આ દેશનો સર્વોચ્ચ લાઈફ ટાઈમ પુરસ્કાર છે. કોહલીનું નામ આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે ર૦૧૬માં પણ મોકલવામાં આવ્યું હતું. જો કે તેને એવોર્ડ મળી શક્યો ન હતો. જો આ વખતે કોહલીને ખેલરત્ન મળશે તો તે સચિન અને ધોની બાદ આ એવોર્ડ મેળવનાર ત્રીજો ખેલાડી બની જશે. સચિનને વર્ષ ૧૯૯૭ અને ધોનીને વર્ષ ર૦૦૭માં ખેલરત્ન એવોર્ડ એનાયત કરાયો હતો. ગઈકાલે બીસીસીઆઈએ શિખર ધવન અને સ્મૃતિ મંધાનાનું નામ અર્જુન એવોર્ડ માટે મોકલ્યું હતું. બીસીસીઆઈએ પૂર્વ ભારતીય કપ્તાન રાહુલ દ્રવિડના નામની ભલામણ પ્રતિષ્ઠિત દ્રોણાચાર્ય એવોર્ડ માટે કરી છે. સંચાલકોની સમિતિના પ્રમુખ વિનોદ રાયે દ્રોણાચાર્ય એવોર્ડ માટે દ્રવિડના નામાંકનનું સમર્થન કર્યું છે.