(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૩
રાજ્યના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરોડોની સંખ્યામાં તીડના ટોળાએ આક્રમણ કરતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ બાદ જે ખેડૂતોનો પાક ખેતરમાં બચી ગયો છે. તેઓ હવે તીડના હુમલાથી ભયભીત થઈ ઊઠ્યા છે. કારણ કે, તીડ અત્યાર સુધી કરોડો રૂપિયાના પાકનો નાશ કરી આગળ વધી રહી છે, ત્યારે ખેડૂતો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ તથા ખુદ તંત્ર તીડને ભગાડવા ધંધે લાગી ગયું છે.
ગુજરાતમાં તીડનું આક્રમણ વધી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠાના વાવથી ૧૦ દિવસ પહેલા ઘૂસેલું કરોડો તીડનું ટોળું ધીમે-ધીમે પાટણ થઈને મહેસાણાના સતલાસણા સુધી પહોંચી ગયું છે. એટલે કે, તીડનું આક્રમણ ૧૫૦ કિમી સુધી આવી ગયું છે. હજુ તીડના આક્રમણ પર અંકુશ મૂકવામાં નહીં આવે તો માત્ર ૧૦૦ કિમી દૂર ગાંધીનગર સુધી તીડનું ટોળું પહોંચી શકે છે. રાજસ્થાનના ભાટડીથી શરૂ થયેલું તીડનું આક્રમણ ગુજરાતના ચાર જિલ્લા કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના અનેક ગામોના લાખો હેક્ટર ખેતીને નુકશાન કરીને આગળ વધી રહ્યું છે. જેના કારણે ખેડૂતો પર વધુ એક આફત આવી છે. ખાસ કરીને તીડના આક્રમણના કારણે લાખો હેક્ટરમાં ફેલાયેલા એરંડા, રાયડો, કપાસ, ઘઉ, વરિયાલી સહિતના પાકોને નુકશાન થયું છે. તીડના આક્રમણથી બનાસકાંઠાના ૯ તાલુકાના ૭૭ ગામ પ્રભાવિત છે.
બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ વાવમાં આતંક મચાવ્યા બાદ તીડના ઝુંડો ડીસા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી ધામા નાંખ્યા છે તીડના લીધે આસપાસના ગામોના ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે.ખેડૂતો ખાધાપીધા વગર અવનવી તરકીબો અજમાવી તીડને ભગાડવાના પ્રયાસો કરી રહ્યા છે.જોકે આ તીડનો નિકાલ કરવામાં નિષ્ફળ નિવડી રહ્યું છે.ત્યારે રવિવારે આ તીડના ઝુંડોએ ઝેરડા, કંસારી જેવા ગામોમાં રાત્રી રોકાણ કરતાં આ વિસ્તારમાં વિવિધ પાકોને ભારે નુકશાન થવા પામ્યું છે.
આ તીડોનું ઝુંડ જે ગામમાં પ્રવેશે ત્યાં ખેતીના પાકોને ભારે નુકશાન કરે છે. ત્યારે રવિવારે મોડીસાંજે આ તીડોનું ઝુંડ ડીસા તાલુકાના કંસારી અને ઝેરડા સહિતના આસપાસના ગામોમાં પ્રવેશતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. ખેડૂતોએ ખાધાપીધા વગર ખેતરોમાં દોડી થાળી, તગારા વગાડી અને ધુમાડા કરી આ તીડોને ભગાડવાના પ્રયાસો કર્યા હતા.પરંતુ આ તીડના ઝુંડોએ રાત્રી રોકાણ કંસારી અને ઝેરડા સહિત ના આસાપાસના ગામોમાં કરતાં એક જ રાતમાં આ ગામના ખેતરોમાં રાજગરો, એરંડો, રાયડો, ઘઉં, વરયાળી, જેવા પાકોને ભારે નુકશાન થવા પામ્યું છે. ત્યારે બીજા દિવસે સોમવારે પણ આ તીડોનું ઝૂંડ ઝેરડા તેમજ આસપાસના ગામોમાં પ્રવેશતા ખેડૂતોએ પોતાના બાળકોને પણ શાળાએ મોકલવાના બદલે તીડ ભગાડવાના કામે લગાડી દીધા હતા.ત્યારે તંત્ર દ્વારા આ તીડના નિકાલ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ તીડના ઝુંડોએ આક્રમણ કરતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ છે. સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા હેલિકોપ્ટર દ્વારા દવાનો છંટકાવ કરવા સરકાર સમક્ષ માગણી કરી છે.
ખેતરમાં લસણના દ્રાવણ અને લોટનો છંટકાવ તીડના હુમલાને રોકી શકે
તીડનો નાશ કરી દે તેવી કોઈ દવા હજી સુધી શોધાઈ જ નથી. પરંતુ એવા કેટલાક નુસ્ખાઓ જરૂર છે કે જેના થકી તીડના ટોળાને ખેતરથી દૂર રાખી શકાય છે.
કૃષિ નિષ્ણાતોના મતે લસણના પાણીનું દ્રાવણ બનાવીને તેને પાણીમાં ઉમેરીને ખેતરમાં છંટકાવ કરવાથી તીડને પાકથી દૂર રાખવામાં મહત્તમ સફળતા મળી શકે છે. આ માટેના કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ તો નથી સાંપડ્યા પરંતુ એવું મનાય છે કે તીડને લસણની ગંધ માફક નથી હોતી. લસણથી તીડનું ટોળું દૂર ભાગવા લાગે છે. બીજીતરફ લોટને પણ ઊભા પાક પર છાંટવામાં આવે તો તેનાથી તીડ દૂર રહી શકે છે. પાકના પર્ણ પર લોટ પડ્યો હોય અને તે તીડના મોઢામાં જાય તો તેનાથી તેના હોઠ ચોંટી શકે છે અને પછી તે કશું ખાઈ શકતું નથી.
તીડના હુમલા વખતે ખેતરમાં છંટકાવ કરવા ઓછા ખર્ચે લસણનું દ્રાવણ આ રીતે તૈયાર કરી શકાય છે. સૌથી પહેલાં લસણની કળીના પાંચેક દડા ૫૦ ગ્લાસ પાણીમાં નાંખીને ઉકાળવા પાણી ઉકળે એટલે આગ પરથી વાસણને ઉતરવા દઈને તેને ઠંડુ કરવું. આદર્શ સંજોગોમાં આ મિશ્રણને એક રાત રહેવા દેવું પડે, પરંતુ ઉતાવળ હોય તો ઠંડુ પાણી ભરેલા વાસણમાં આ દ્રાવણ ભરેલા વાસણને ચારેક કલાક ઠરવા દેવું. હવે આ દ્રાવણનો એક ભાગ અને તેમાં ત્રણ ભાગ પાણી ઉમેરવાથી છંટકાવ માટેનું દ્રાવણ તૈયાર થઈ જશે. અસરગ્રસ્ત છોડના પાન પર આ દ્રાવણનો નેપસેક સ્પ્રેયર વડે છંટકાવ કરી શકાય છે. પરંતુ પાનના નીચેના ભાગમાં પણ છંટકાવ અવશ્ય કરવો.
Recent Comments