અમદાવાદ, તા.૧૪
પાટીદાર અનામત આંદોલનની અસર આગામી વિધાનસભાની ચૂંટણીમાં પડે તો સત્તા પલટાઈ શકે તેમ છે ત્યારે પાટીદારોની મતબેંકને પોતાના ખોળે કરવા રાજકીય પક્ષોમાં રીતસરની હરીફાઈ લાગી હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈને આજે ખોડલધામ મંદિરમાં ભાજપ-કોંગ્રેસના પાટીદાર નેતાઓની મીટિંગો યોજાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ખોડલધામ ખાતે શનિવારે સવારથી જ સૌપ્રથમ પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં ખોડલધામના નરેશ પટેલ સહિતના આગેવાનો અને કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ચૂંટણી જીતેલા હારેલા ઉમેદવારો સહિત રપ૦ જેટલા પાટીદાર આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં સમાજના હિતમાં કાર્ય કરવા અને સમાજને મદદરૂપ થાય તેવા ઉમેદવારને સહયોગ આપવા પાટીદાર ઉમેદવારને કોઈપણ પક્ષ ટિકિટ આપે તો સમાજે તેને સપોર્ટ કરવો સહિતના વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. ત્યારબાદ બપોરે ભાજપના પાટીદાર અગ્રણીઓ સાથે ખોડલધામના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આમ શનિવારના દિવસે ખોડલધામમાં પાટીદારોની રાજકીય ચહલપહલ થતી જોવા મળી હતી. જો કે ખોડલધામમાં રાજકીય આગેવાની બેઠકોનો ધમધમાટ ક્યાંકને ક્યાંક નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ પહેલાની તૈયારીઓ છે કે પછી પાટીદાર અનામત આંદોલનને થાળે પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે તો સમય જ બતાવશે પરંતુ હાલ એટલું તો ચોક્કસ કહી શકાય કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોનો ઝોંક જેની તરફ રહેશે તે પક્ષ ખરી દિવાળી મનાવશે. એવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.