અમદાવાદ, તા.૫
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એવા ખોખરા રોહીત સર્કલ પાસે આવેલી જુની ભાલકીયા મીલની ૧૨ હજાર ચો.મી.જમીન પ્રતિ ચોરસ મીટર માત્ર પાંચ રૂપિયાના વાર્ષિક ભાડાના દરે ૯૯ વર્ષના ભાડા પટ્ટે ફાળવવાની દરખાસ્ત આજરોજ મંજુર કરવામા આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,શહેરના પૂર્વ વિસ્તારમાં અગાઉની જુની ભાલકીયા મીલની જગ્યામાં ડેન્ટલ કોલેજ હસ્તકની ૧૨૦૦૦ ચોરસમીટર જમીન ઈન્સિટીયુટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ અમદાવાદને કલેકટરના હુકમ અનુસાર તેમજ શિક્ષણ વિભાગની દરખાસ્ત મુજબ મુખ્ય સચિવ દ્વારા સુચવવામા આવ્યા પ્રમાણે પ્રતિ ચોરસમીટર પાંચ રૂપિયાના ભાડાના દરથી ૯૯ વર્ષના ભાડાપટ્ટેથી ફાળવવા અંગે આજરોજ મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં એક તાકીદની દરખાસ્ત પસાર કરીને મંજુરી આપવામા આવી છે.આ દરખાસ્તમા કરવામા આવેલી જોગવાઈ અનુસાર,કોલેજના બાંધકામ ઉપરાંત સ્ટુડન્ટસ માટે તેમજ શૈક્ષણિક સ્ટાફ માટે રહેણાંક અને ગેસ્ટહાઉસ સહીત કવાટર્સ પણ બનાવવાના રહેશે.આ સાથે જ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમા હાલ ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત મેટ્રો પ્રોજેકટ દ્વારા કરવામા આવેલી માગણી અનુસાર, વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશન પાસેની આવાસ યોજનામા છ દુકાનો,આંબાવાડી પાસે ૩૧૯૭ ચો.મી.જમીન, વસ્ત્રાલ-રામોલ પાસે ૪૩૯૮ ચો.મી.જમીન, ૨૬,૨૬૪ ચો.મી.જમીન પ્રોપર્ટી ડેવલપમેન્ટ માટે એક રૂપિયાના પ્રતિ ચોરસ મીટર દરથી ફાળવવાની દરખાસ્તને મંજુરી આપવામા આવી છે.આ ઉપરાંત શહેરના એલિસબ્રીજ, અમરાઈવાડી, વાસણા નોર્થ અને મોટેરાના અલગ અલગ સ્થળોએ મેટ્રો રેલ પ્રોજેકટ દ્વારા ડીપો સ્ટેશન બનાવવા માંગેલી જમીન રૂપિયા ૨.૫૦ના પ્રતિ ચોરસમીટર દરથી વીસ વર્ષની એડવાન્સ રકમ વસુલી જમીનની સોંપણી કરવા અંગેની દરખાસ્ત પણ સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમા મંજુર કરવામા આવી છે.