અમદાવાદ,તા. ૭
ગણપતિ વિસર્જન દરમ્યાન ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારનો બંદોબસ્ત વીથ ડ્રો કરી અને જાતે પોલીસ સ્ટેશન વિસ્તાર છોડી પોતાના રહેણાંકના સ્થળે જતા રહી ફરજમાં ગંભીર બેદરકારી દાખવનાર ખોખરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાદવને શહેર પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ખોખરાના પીઆઇ જાદવે તેમના ઉપરી અધિકારી એવા નાયબ પોલીસ કમિશનર ઝોન-૭ અને ઝોન-૫ની સૂચનાનો પણ અનાદર કર્યો હોવાનું સામે આવતાં તેમની વિરૂધ્ધ આ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જનને લઇ શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા બીજો હુકમ ના મળે ત્યાં સુધી સ્ટેન્ડ ટુ રાખવાનો તમામ પોલીસ અધિકારીઓને પોલીસ કમિશનરની સૂચના મુજબ આદેશ કરાયો હતો. તા.૬-૯-૧૭એ શહેર કંટ્રોલરૂમ દ્વારા વાયરલેસ મેસેજ મારફતે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણપતિ વિસર્જન સંપૂર્ણપણે પૂર્ણ થઇ ગયું હોય તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વીથ ડ્રો કરવા સૂચના આપી હતી પરંતુ તેના આગલા દિવસે એટલે કે, તા.૫-૯-૧૭ના રોજ શહેરના ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણપતિ વિસર્જન બાકી હોવાછતાં ખોખરા પીઆઇ આર.એ.જાદવ તેમના ઉપરી અધિકારીની મંજૂરી લીધા વિના પોતાનો પોલીસ સ્ટેશન વિસ્તાર છોડી, રહેણાંકના સ્થળે જતા રહ્યા હોવાની હકીકત પોલીસ કમિશનરના ધ્યાન પર આવી હતી. વધુમાં, ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારના જગન મદ્રાસીના ગણપતિ ખૂબ જ મોટી સાઇઝના હોઇ તેનું વિસર્જન પીઆઇ જાદવને સરદારબ્રીજ ખાતેથી જાતે કરવા નાયબ પોલીસ કમિશનર ઝોન-૭ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી અને કંટ્રોલ રૂમે તેમને આ સૂચનાની બે વાર જાણ કરવા છતાં પીઆઇ જાદવ સરદારબ્રીજ આવ્યા ન હતા અને નાયબ પોલીસ કમિશનર ઝોન-૭ના હુકમનો પણ અનાદર કર્યો હતો. એટલું જ નહી, આ સમગ્ર હકીકત નાયબ પોલીસ કમિશનર ઝોન-૫ના ધ્યાન પર આવતાં તેઓ જાતે સરદારબ્રીજ ખાતે વિસર્જન સ્થળે પહોચ્યા હતા અને પીઆઇ જાદવને તાત્કાલિક સ્થળે પહોંચવા સૂચના આપી હતી, તેમછતાં તેઓ હાજર નહી થતાં નાયબ પોલીસ કમિશનર ઝોન-૫ના હુકમનો પણ અનાદર કર્યો હતો. આ તમામ આરોપો બદલ શહેર પોલીસ કમિશનરે ગંભીર નોંધ લઇ ખોખરા પોલીસ મથકના સિનિયર પીઆઇ આર.એ.જાદવને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાંખતા સમગ્ર શહેરના પોલીસ બેડામાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.