(એજન્સી) મગહર, તા.૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ઉત્તર પ્રદેશના મગહરમાં સંત કબીરના નિર્વાણ સ્થળની મુલાકાત લીધા બાદ એક જનસભાને સંબોધિત કરી હતી. જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ ફરી એકવાર ખોટું તથ્ય જણાવ્યું. જેને લીધે સોશિયલ મીડિયા પર લોકોએ એમની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે. પીએમ મોદીએ કહ્યું કે, એવું કહેવામાં આવે છે કે મગહરમાં જ સંત કબીર, ગુરૂનાનક દેવ અને બાબા ગોરખનાથ અકસાથે બેસીને આધ્યમત્મિક ચર્ચા કરતા હતા.
ઈતિહાસકારો મુજબ વડાપ્રધાન મોદીએ જે તથ્ય કહ્યું એ વાતની પુષ્ટિ કરતા નથી. ઐતિહાસિક તથ્યો અનુસાર નાથ સંપ્રદાયની સ્થાપના કરનાર બાબા ગોરખનાથનું જીવનકાળ સંત કબીર અને ગુરૂનાનક કરતા પણ ખૂબ જ આગળ છે. બાબા ગોરખનાથનો જન્મ ૧૧મી સદીમાં થયો હતો. જ્યારે સંત કબીરનો જન્મ ૧૪મી સદી (ઈ.સ.૧૩૯૮-૧પ૧૮)માં થયો હતો અને ગુરૂ નાનકનો ૧પમીથી ૧૬મી સદી (ઈ.સ.૧૪૬૯-૧પ૩૯) વચ્ચે જન્મ થયો હતો. એના પરથી સ્પષ્ટ છે કે આ ત્રણેય સંતોની એકસાથે બેસીને ચર્ચા કરવાની પીએમ મોદીની વાત તથ્યોથી દૂર છે.