(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
૧પથી ર૦ વર્ષ પહેલાં લોકો ઉર્દૂના ભવિષ્ય અંગે ચિંતિત હતા. તેમનું માનવું હતું કે, ઉર્દૂને બચાવવી હોય તો તેને બીજા નંબરની સત્તાવાર ભાષા બનાવવી જોઈએ. કેટલાક લોકોનો એવો મત હતો કે જો ઉર્દૂ અકાદમીઓની રચના કરવામાં આવે તો ઉર્દૂની પ્રગતિ થશે. ઘણા લોકોનું માનવું હતું કે, જો કેન્દ્ર સરકાર અંજુમનની રચના કરશે તો તેના કારણે ઉર્દૂનું જતન થશે. જ્યારે કેટલાકનું માનવું છે કે, જો આપણા ઉર્દૂ અખબારો ખરીદીને તેનું વાંચન કરીએ તો ઉર્દૂનું જતન થશે. પરંતુ કોઈને પણ એવો ખ્યાલ ન હતો કે લોકોનું એક જૂથ ઉર્દૂ બચાવવા આગળ આવશે કે જે ન તો સરકારનું છે કે, ન તો કોઈ ધાર્મિક સંસ્થાનું જૂથ છે. તેઓ બિન મુસ્લિમો હશે, પરંતુ ઉર્દૂને બચાવવામાં તેઓ મુસ્લિમોને પણ પાછળ રાખી દેશે. આ લોકો જાણે છે કે, ઉર્દૂ માત્ર એક ભાષા નથી, પરંતુ સંસ્કૃતિ છે. તેના મૃદુ ઉચ્ચારોના કારણે ઉર્દૂએ તેમના દિલમાં એક પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે. મુન્શી નવલ કિશોર, હરગોપાલ તાફતા, પંડિત બ્રિજ નારાયણ ચાકબસ્ત અને ચીન કિશોર આ તમામે ઉર્દૂ ભાષાના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. પરંતુ કોઈ એવી દલીલ કરશે કે સ્વાતંત્ર્ય પહેલાં ઉર્દૂ અને હિન્દી વચ્ચે પૂર્વગ્રહની કોઈ રેખા નહોતી એ શ્રેષ્ઠ જૂના દિવસો હતા. એ સમયે પંડિત નહેરૂએ એક અખબાર શરૂ કર્યું હતું અને તેનું નામ ‘કવામી આવાઝ’ હતું. પરંતુ સ્વાતંત્ર્ય બાદ રઘુપતિ સહાય ફિરાક, કુંવર મોહિન્દરસિંહ બેદી, જગન્નાથ આઝાદ, નરેશકુમાર શાહ, સંપૂર્ણ સિંહ કાલરા ગુલજાર, કૃષ્ણ બિહારી ‘નૂર’, શીન કાફ નિઝામ અને પંડિત ગુલઝાર ઝુત્શીને કોણ ભૂલી શકે કે જેમણે ઉર્દૂના છોડનું સિંચન કર્યું હતું અને રણજીત ચૌહાણ જેવા કેટલાય યુવાનોએ આ ભાષાની સેવા કરી હતી. કદાચ કોઈ એવી દલીલ કરશે કે લેખકો અને કવિઓ આ ભાષાથી અભિભૂત છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈ્‌ફના માલિક રામોજીએ શા માટે ઉર્દૂ ચેનલ શરૂ કરી હતી ? અંબાણી કેમ ઉર્દૂ ચેનલ ચલાવી રહ્યા છે ? ઝી ટીવીએ શા માટે ‘ઝી સલામ’ શરૂ કરી છે ? સહારાના માલિકોએ શા માટે રાષ્ટ્રીય સ્તરે ઉર્દૂ અખબાર શરૂ કર્યું છે ? તેમણે શા માટે ઉર્દૂ ચેનલ લોન્ચ કરી છે ? ઉદ્યોગપતિ સંજીવ શરાફ દ્વારા શા માટે ઉર્દૂની સૌથી મોટી વેબસાઈટ શરૂ કરવામાં આવી છે ? શા માટે તેમણે ઈન્ટરનેટના પાના પર કવિઓ, શાયરોની હજારો કવિતાનું જતન કર્યું છે ? શા માટે તેમણે ઉર્દૂ પુસ્તકોનું પીડીએફ ફાઈલમાં રૂપાંતર શરૂ કર્યું છે ? સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, જ્યારે લોબી ઉર્દૂ વિરૂદ્ધ ઝેર ઓકી રહી છે ત્યારે જશ્નમાં હાજરી આપનારા મોટાભાગના લોકો શા માટે બિન મુસ્લિમો હતા ? અંગ્રેજી દૈનિક, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ રવિવારે સવારે હેડલાઈન પ્રસિદ્ધ કરી હતી કે શું ઉર્દૂ મૃતપાય બની રહી છે ? ત્યારબાદ તેમાં ઉમેર્યું હતું કે, મહોત્સવ દર્શાવે છે કે, તે માત્ર જીવતી જ નથી પરંતુ તે થનગની રહી છે. સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે, જેમને કોઈ આર્થિક અને બિઝનેસ કારણો નથી એવા લોકો ઉર્દૂના ઉત્કર્ષ માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ઉર્દૂ સાથે હૃદય અને આત્માથી સંકળાયેલા છે.