(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી અને બીજેપીના સાંસદ કૃષ્ણપાલસિંહ ગુર્જરે રવિવારે (રર ઓક્ટોબર) પોતાની જ પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ અવતારસિંહ ભડાનાને ખાણ માફિયા ગણાવ્યા છે. કૃષ્ણપાલ ગુર્જર હરિયાણાના ફરિદાબાદના સાંસદ છે. જ્યારે ભડાના યુપીની મીરાનગર વિધાનસભાની બેઠકના ધારાસભ્ય છે. મીડિયાના અહેવાલ અનુસાર ભડનાએ શુક્રવારે (ર૦ ઓક્ટોબર) ગુર્જરના નજીકના સંબંધીઓ પર ગુનેગારોને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો હતો. ભડાનાએ આરોપ લગાવ્યો હતો કે કૃષ્ણપાલ ગુર્જરને તેમના મામા રાજપાલ નાગરની કારનામાઓની સંપૂર્ણ જાણકારી છે. કોંગ્રેસ ધારાસભ્ય લલિત નાગરે આરોપ લગાવ્યો છે કે, તેમણે હરિયાણા વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ રાજ્યના મુખ્યમંત્રી મનોહરલાલે તેમની ફરિયાદ પર કાર્યવાહી કરી નહીં. અહેવાલ અનુસાર કૃષ્ણપાલ ગુર્જરે રવિવારે ભડાના પર નિશાન તાકતાં કહ્યું કે, તેઓ દુર્ભાગ્યપણે બીજેપીમાં સામેલ થઈ ગયા અને મોદી-યોગી લહેરમાં ધારાસભ્ય બની ગયા. કૃષ્ણપાલ ગુર્જરે કહ્યું કે આ એ લોકો છે જે ગેરકાયદેસર ખાણ, ગેરકાયદેસર પ્લાન્ટિંગ, જમીન-દુકાન પર કબજાના ધંધા સાથે જોડાયેલા રહે છે અને તેથી જ આ લોકો સત્તા વગર ના રહી શકે. હજી સુધી બીજેપીએ આના પર સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી નથી. હરિયાણામાં વર્ષ ર૦૧૪માં પહેલીવાર બીજેપીની સરકાર બની હતી. મનોહરલાલ ખટ્ટરને રાજ્યના સીએમ બનાવવામાં આવ્યા હતા. હરિયાણાની બીજેપી સરકાર પાછલા ત્રણ વર્ષોમાં જાટ આંદોલન, રામરહીમના સમર્થકો દ્વારા ચાંપવામાં આવેલી આગ અને રામપાલની ધરપકડમાં થયેલી હિંસાને લઈને નિશાના પર રહી છે.