(એજન્સી) નવી દિલ્હી,તા.૯
શુક્રવારે આવકવેરા વિભાગે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે કે કેવી રીતે નોઈડાના એક સરકારી ઈજનેરે રપ સંપત્તિઓ, પોતાની માલિકીની જગુઆર સહિતની પાંચ ગાડીઓ ભેગી કરી છે. આ ઈજનેરને એક નહીં પરંતુ બે પત્નીઓ છે તેની એક પત્ની નોઈડામાં રહે છે, જયારે બીજી પત્ની નોઈડાની નજીક આવેલા ગાઝિયાબાદમાં રહે છે.
પ૯ વર્ષીય ચૌધરી બ્રિજપાલસિંઘ, કે જે નોઈડા ઓથોરિટીમાં આસિસ્ટન્ટ પ્રોજેકટ એન્જિનિયર તરીકે કામ કરે છે અને તેની બંને પત્નીઓ સાથેના તેના કુલ ૬ બાળકો છે, જેમાં દરેક પત્નીને બે-બે છોકરાઓ અને એક-એક છોકરીઓ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઈજનેરે તેની બંને પત્નીઓના બાળકોને એક જ સરખા નામ આપ્યા છે કે જેથી તેને સંપત્તિ તેમના નામે કરવામાં કોઈ જ મુશ્કેલી ના પડે. આવકવેરા વિભાગની તપાસની ટુકડીના મુખ્ય નિર્દેશક અમરિન્દરકુમારે અખબારને જણાવ્યું કે, તપાસ દરમ્યાન અમને જાણવા મળ્યું છે કે સિંઘે રપ જેટલી સંપત્તિઓની નોંધણી તેના પરિજનોના નામે કરાવી છે. અમને તે જાણીને આશ્ચર્ય થયું કે તેની બે પત્નીઓ અને બાળકો છે. ઉપરાંત તેણે બંને પત્નીઓના બાળકોના નામ એક સરખા જ રાખ્યા છે, જેથી કરીને સંપત્તિની લે-વેચની પ્રક્રિયામાં કોઈ શંકા ઉભી ના થાય.
સિંઘ એન.કે. ભારદ્રાજમાં પ્રોજેકટ એન્જિનિયર તરીકે કાર્યરત છે. જે ર૦૧૯માં નિવૃત્ત થવાના હતા. એવા પણ અહેવાલ છે કે નોઈડામાં રહેલી તેની પહેલી પત્નીને ઈજનેરની બીજી પત્ની હોવાની શંકા ગઈ કારણ કે તે અવારનવાર ગાઝિયાબાદ જતો હતો.
કુમારે જણાવ્યું કે અમારી તપાસ એકવાર પૂર્ણ થયા બાદ અમે તેની સંપત્તિને જપ્ત કરી લઈશું. તેણે આ પહેલા તેની પાસે આ સંપત્તિ હોવાની જાહેરાત કરી નથી. તેની પાસે આ સંપત્તિના માત્ર ખરીદી વેચાણના દસ્તાવેજો છે.