(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
ભારતના ૧પમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે ૬૮ વર્ષના થયા. તેમના જન્મદિવસ નિમિત્તે દેશના ઘણાં નેતાઓએ તેમને ટ્‌વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્‌વીટર પર લખ્યું હતું કે, વડાપ્રધાનને જન્મદિનની શુભેચ્છા, હું હંમેશા તેમના સારા સ્વાસ્થ્ય અને તેમની ખુશીઓની કામના કરું છું. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પં.બંગાળના સી.એમ. મમતા બેનરજી કે જેઓ પીએમ મોદી પર સતત આકરા પ્રહારો કરતાં રહે છે. તેમણે પણ ટ્‌વીટ કરી પીએમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તામિલનાડુમાં ભાજપે ગઈકાલે પીએમ મોદીના જન્મદિન નિમિત્તે ગઈકાલે જન્મેલા બાળકોને સોનાની વીંટી આપીને ઉજવણી કરી. વડાપ્રધાન મોદીએ તેમના ૬૮માં જન્મદિવસની તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ઉજવણી કરી. જ્યાં તેમણે શાળાના બાળકો સાથે બાળકો પર આધારિત ફિલ્મ ‘ચલો જીતે હૈ’ પણ જોઈ. પીએમ મોદીને તેમના જન્મદિનની સૌપ્રથમ શુભેચ્છા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને ભાજપા અધ્યક્ષ અમિત શાહે પાઠવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્‌વીટ કરી હતી કે સંપૂર્ણ સમર્પણની સાથે રાષ્ટ્ર નિર્માણ માટે અથાક પરિશ્રમ કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર તેમને દીર્ધાયુ બક્ષે અને તેઓ દેશની સેવા કરતાં રહે : રામનાથ કોવિંદ.