(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
ભારતીય રેલવે પ્રવાસીઓ હવે ડોમિનોસ અને સબવે સહિતના ૭૦૦ વેન્ડર્સ પાસેથી પોતાના પસંદગીના ફૂડ ઓર્ડર કરી શકશે. ખુશીયોં કી ડીલિવરી નામની પહેલ હેઠળ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન(આઇઆરસીટીસી)એ એવા ૭૦૦ વેન્ડર્સને ભાગીદાર બનાવ્યા છે જેઓ દેશભરમાં આશરે ૩૫૦ રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓને ફૂડ આઇટમો પીરસશે. આ નિર્ણય હાલની ઇ-કેટરિંગ સુવિધામાં સુધારો કરવા માટે લેવાયો છે. આ વેન્ડરોમાં ડોમિનોસ, સબવે, બિરયાની બ્લૂઝ, હલ્દીરામ્સ, સરવણ ભવન, નિરૂલાસ અને ફાસોસનો સમાવેશ થાય છે. આ સેવા માટે ૩૫૦ રેલવે સ્ટેશનોની પસંદગી કરી હોવા છતાં આઇઆરસીટીસીએ દાવો કર્યો છે કે, આ સ્ટેશનો થકી લગભગ તમામ ટ્રેન અને રૂટનો સમાવેશ કરી લેવાયો છે. ખુશીયોં કી ડીલિવરી એ માટે લોન્ચ કરવામાં આવી છે કારણ કે, છે કે, ગયા વર્ષે ઇ-કેટરિંગ બિઝનેસમાં આઇઆરસીટીસીને જોરદાર વધારો જોવા મળ્યો છે. ઇ-કેટરિંગ એપ હવે દરરોજ ૨૧,૦૦૦ ફૂડ ઓર્ડર મેળવે છે જે થોડા સમય પહેલા દરરોજ ૮,૦૦૦ ફૂડ ઓર્ડર હતા. આ સાથે જ આઇઆરસીટીસીએ પ્રત્યેક દિવસે ૧ લાખ ઓર્ડર લેવાનું લક્ષ્યાંક બનાવ્યુંં છે. આનાથી આઇઆરસીટીસી દર વર્ષે ૮-૯ કરોડ રૂપિયાની કમાણી સાથે ભારતીય રેલવેને કમિશન અથવા ૧૨ ટકાનો નફો કરાવે છે અને આમાં વધારો કરીને તેણે દર વર્ષે ઓછામાં ઓછી ૧૦૦ ટકા કમાણી કરવાનું લક્ષ્યાંક બનાવ્યું છે. ઇ-કેટરિંગ સેવામાં સુધારા ઉપરાંત તે તમામ ટ્રેનોમાં પેન્ટ્રી કારમાં સુધારો કરી રહી છે. સારી કુકિંગ ટેકનોલોજી, સાધનો અને સ્ટોરેજ સુવિધાને પણ આધુનિક બનાવવામાં આવશે.