(એજન્સી) નવી દિલ્હી, તા.૪
પોલીસ કર્મચારીઓના પરિવારજનોની મુક્તિ સામે ત્રાસવાદીના પિતાને છોડી મૂક્યાની શરત સમજૂતીને કારણે સર્જાયેલી શરમજનક સ્થિતિને પગલે જમ્મુ-કાશ્મીરના ટોચના પોલીસ અધિકારીને નોકરી ગુમાવવી પડે તેવી શક્યતા છે.
૧. અબ્દુલ ગની મીરના સ્થાને સીઆઈડીના અધિક ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના પદે નવી નિમણૂક માટે રાજ્યપાલે માહિતી માગી છે.
ર. સૂત્રોના જણાવ્યા મુજબ કિડનેપિંગ ફિયાસ્કાના કારણે ગૃહમંત્રાલય પોલીસ કામગીરીથી નારાજ છે.
૩. પોલીસ દ્વારા ત્રાસવાદીઓના સગાઓને છોડાયાના કલાકોમાં આતંકવાદીઓએ પોલીસ કર્મચારીઓના પરિવારજનોને મુક્ત કર્યા હતા.
૪. પોલીસ દ્વારા છોડી મૂકાયેલાઓમાં હિઝબુલ મુજાહિદ્દીન ત્રાસવાદી સંગઠનના કમાન્ડર રિયાઝ નાઈકુના પિતાનો પણ સમાવેશ થાય છે.
પ. પોલીસે ત્રાસવાદીઓના ઘરો સળગાવતા અને ધરપકડો કરતાં આતંકવાદીઓએ પોલીસ કર્મીઓના કુટુંબીજનોના અપહરણ કર્યા હતા.
૬. રિયાઝ નાઈકૂએ આ કાર્યવાહી બદલ પોતાના આતંકવાદી સાથીઓના વખાણ કરતી ટ્‌વીટ વાયરલ કરી હતી.
૭. સૂત્રોના જણાવ્યા મુજબ ગૃહમંત્રાલયનું માનવું છે કે આ સમગ્ર મામલામાં પોલીસ સદંતર નિષ્ફળ નિવડી છે.
૮. સૂત્રો મુજબ, એસપી વૈદ્ય, વી.કે. સિંહ, એસ.એન. સહાય અને દિલબાગ સિંહની બદલી કરાશે.
૯. સ્થાનિક ચૂંટણીઓના પગલે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે રાજ્યમાં ટોચના પદો પર બદલીઓ કરવામાં આવે. રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણી યોજાનાર છે.
૧૦. જાન્યુઆરી ર૦૧૭માં ૧૯૮૬ બેંચના અધિકારી વૈદ્યે રાજ્ય પોલીસના વડાની જવાબદારી સંભાળી હતી.