સુરત, તા.૨૪
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર ઉત્તરપ્રદેશના વિધર્મી પ્રેમી પંખીડાએે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે
બનાવની રેલવે સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર કીમ રેલવે સ્ટેશન નજીક ગત રાત્રિના સુમારે એક યુવક અને યુવતીના મૃતદેહો મળી આવ્યા હતા. રાત્રે ૧૦ વાગ્યાના સુમારે ડાઉન લાઈન પર જતી કોચી વલ્લી એકસ્પ્રેસ ટ્રેન સાથે અથડાતા બંનેના મોત થયા હતા.ઘટનાની જાણ કીમ રેલવે સત્તાધીશોને થતા કોસંબા રેલવે પોલીસને જાણ કરી. પોલીસે તપાસ શરૂ કરી યુવક-યુવતીના દસ્તાવેજ મળી આવ્યા હતા. મૃતક યુવકનું ડ્રાઈવિંગ લાયસન્સ મળી આવતા યુવક ઉત્તરપ્રદેશના શરખેલપુર, કંધાઈ જિલ્લો પ્રતાપગઢનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે યુવતી અન્ય ધર્મની હતી. બંને પ્રેમી પંખીડા પ્રેમસંબંધમાં ભાગીને અહીંયા આવ્યા હતા. આ અંગે યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મૂળ ઉત્તરપ્રદેશના યુવક-યુવતી અહીં શા માટે આવ્યા અને કયા કારણોસર આપઘાત કર્યો જે અંગે અનેક તર્ક વિતર્ક ચર્ચાઈ રહ્યાં છે. યુવતીના પિતા કીમ આવવા નીકળી ગયા છે. કોસંબા રેલવે પોલીસે બંનેની લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.