(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨
પુડુચેરીમાં એક જાહેર મંચ પર રાજ્યના ઉપરાજ્યપાલ કિરણ બેદી એઆઇએડીએમકેના ધારાસભ્ય સાથે ઉગ્ર ચર્ચામાં ઉતર્યા હતા જેનાથી રાજનીતિનું નવું નીચલું સ્વરૂપ દેખાયું હતું. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. એક અંગ્રેજી સમાચાર ચેનલે આ કાર્યક્રમને લાઇવ દેખાડ્યો હતો.
આ કાર્યક્રમને પુડુચેરીના ઉપ્પલમ મતવિસ્તારને જાહેરમાં શૌચમુક્ત જાહેર કરવા માટે રાખવામાં આવ્યો હતો. આ અંગે બેદીએ પોતાના ફોલોઅર્સને ટિ્‌વટર દ્વારા જાણ કરી હતી. ‘પુડુચેરી માટે ઐતિહાસિક દિવસ છે. ખુલ્લામાં શૌચમુક્ત વિસ્તાર બનાવવા માટે ભારત સરકારના સહયોગ અને ભારે સમર્થન માટે આભાર માનું છું, આને સફળ બનાવવા માટે જાહેર સેવકો અને સમાજના લોકોની આકરી મહેનત માટે આ કાર્યક્રમ યોજાયો છે.’
જોકે, કાર્યક્રમ દરમિયાન સ્થાનિક એઆઇએડીએમકેના ધારાસભ્ય અનબાઝગાન વક્તાઓની યાદીમાં પોતાનું નામ ન જોઇને ગુસ્સે ભરાયા હતા, આ સ્થિતિ ટાળવા માટે કાર્યક્રમમાં બોલવા માટે ધારાસભ્યને બોલવા માટે આમંત્રિત કરાયા હતા. પણ જ્યારે તેઓ પોતાના મતવિસ્તારની સિદ્ધિઓ ગણાવવા લાગ્યા ત્યારે બેદીએ તેમને ભાષણ રોકવા કહ્યું હતું. બેદીના વારંવાર ટોકવા છતાં તેઓ બોલતા રહ્યા હતા તેથી બેદીએ આયોજકોને માઇક બંધ કરવા કહ્યું હતું. આના કારણે ધારાસભ્યનો પિત્તો ગયો હતો અને જાહેરમાં તેઓ બેદીને બોલવા લાગ્યા. વીડિયોમાં તેઓ જાહેર મંચ પરથી જ બેદી સાથે ઉગ્ર બોલાચાલીમાં ઉતરી ગયા હતા જ્યારે બેદીએ તેમને મંચ પરથી ઉતરી જવા કહ્યું હતું. બીજી તરફ અનબાઝગાન પણ બેદીને જતાં રહેવાનું કહેતા સંભળાયા હતા. બોલાચાલીને પગલે લોકો સ્થાનિક ધારાસભ્યનું સમર્થન કરતા અને બેદી વિરૂદ્ધ નારેબાજી કરતા જોવા મળ્યા હતા. બાદમાં વિકાસની વાત કરતા બેદીએ ધારાસભ્યની પ્રતિક્રિયાને અત્યંત અફસોસજનક ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કાર્યક્રમ સમયબદ્ધ રીતે યોજાવાનો હતો જેમાં ધારાસભ્યને બોલવાનો સમય ફાળવાયો ન હતો. તેમ છતાં તેમણે કાર્યક્રમની શરૂઆતમાં જ બોલવાનું શરૂ કરી દીધું હતું. તેઓ આયોજકોની વિનંતી છતાં બોલતા રહ્યા જેથી માઇક બંધ કરવાનો આદેશ આપવો પડ્યો. આવું વર્તન તેમણે અગાઉ પણ ઘણીવાર કર્યું છે અને તેમના એ ગેરવર્તનની હું પોતે સાક્ષી છું તેઓએ અન્ય લોકોના સમયને પણ માન આપવું જોઇએ.