(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
ઉમરવાડા વિસ્તારમાં આવેલી એક માર્કેટમાં આગ લાગતાં ભાગદોડ મચી ગઇ હતી. આગના ગોટેગાટો દૂર-દૂર સુધી દેખાતા આજુબાજુની માર્કેટોના વેપારીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આગના કારણે સાડીના ગોડાઉનમાં રાખેલો માલ તમામ બળીને ખાખ થઇ ગયો હતો.
ઉમરવાડા ખાતે કિરણ હાઉસ માર્કેટ આવેલી છે સોમવારે સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં ગ્રાઉન્ડ ફલોર પર આવેલા સાડીના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આગના કારણે તેના ધુમાડા ત્રીજા-ચોથા માળ સુધી પહોંચી ગયા હતા. આગના ગોટેેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા. આગ લાગવાના કારણે આજુબાજુની માર્કેટોમાં કામ કરતા કારીગરો અને વેપારીઓ દોડી આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ફાયરબ્રિગેડને જાણ થતાં લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેની સાથે પોલીસ પણ દોડી આવી હતી. ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવવા માટે સતત ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આગના પગલે ગોડાઉનમાં રાખેલી હજારોની સંખ્યામાં સાડીનો માલ, વાયરીંગ સહિતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી. આગના કારણે કોઇને જાનહાનિ કે ઇજા પહોંચી ન હતી.
ઉમરવાડા કિરણ હાઉસ માર્કેટમાં આગથી દોડધામ : ભારે નુકસાન

Recent Comments