(એજન્સી) તા.ર૭
એક માનવાધિકાર સંગઠને બુધવારે આપેલી માહિતી અનુસાર ઓઇલ સમૃદ્ધ કિરકૂક શહેર પર ઇરાકી સેનાએ કબજો જમાવ્યા બાદથી કુર્દિશોની મુશ્કેલી વધી છે. દક્ષિણ કિરકૂકે આવેલા એક શહેરમાં લગભગ ૩૦,૦૦૦ થી વધુ લોકો વિસ્થાપિત બન્યા હોવાના સમાચાર મળ્યા છે. આ વિસ્થાપિતોમાં સૌથી વધુ તુઝ ખુરમાતો વિસ્તારના રહેવાસી છે જે તાત્કાલિક ધોરણે સહાયની માગણી કરી રહ્યાં છે અને તેઓ હવે શરણાર્થી કેમ્પમાં રહેવા મજબૂર થયા છે. આ માહિતી બે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ રુટર એજન્સીને આપી હતી. જ્યારે ત્રીજી એક એજન્સી એમેનેસ્ટી ઇન્ટરનેશનલે મંગળવારે સેટેલાઇટ મારફતે લીધેલા ફોટા, ઇમેજ, વીડિયો અને અનેક પુરાવાઓ રજૂ કરીને ખુલાસો કર્યો હતો કે કેવી રીતે કુર્દિશોના વિસ્તારોમાં લૂંટફાટ, આગચંપી સહિત અનેક રીતે હુમલા કરવામાં આવ્યા. આ વિસ્તારમાં લગભગ ૧ લાખથી વધુ નાગરિકો વસવાટ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તમનેે જણાવી દઇએ કે ગત મહિને કુર્દિસ્તાન રિજિઓનલ ગવર્મેન્ટ દ્વારા આયોજિત કરવામાં આવેલા રેફરેન્ડમના પરિણામને અંતે બગદાદની કેન્દ્ર સરકાર ભારે હતાશ થઇ હતી અને તેના કારણે જ ઇરાકની સેનાએ કુર્દિશોને તેલ સમૃદ્ધ ક્ષેત્રો ખાલી કરવાની ધમકી આપી હતી અને છેલ્લે ઓક્ટોબર ૧૬ના રોજ ઇરાકની સેનાએ કિરકૂકમાં હુમલો કરી દીધો અને કુર્દિશ લડાકુઓ પીછેહઠ કરવા મજબૂર થયા હતા. તમને જણાવી દઇએ કે હાલનો આ તુઝ શહેર કિરકૂક અને બગદાદની વચ્ચોવચ આવેલો છે. અહીં તુર્કમેન અને અરબ લોકો વસે છે. ઓક્સફામ પ્રોગ્રામ મેનેજર જેનિફર કોનેટના જણાવ્યાનુસાર હાલમાં ત્યાં ઘણા લોકો વિસ્થાપિત બન્યા છે અને તેના કારણે જ તેઓ જાહેર સ્થળો, ખુલ્લા વિસ્તારો, સ્કૂલો, મસ્જિદો તથા બાંધકામ હેઠળની ઇમારતોમાં આશ્રય મેળવવા મજબૂર થયા છે.