(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૮
ભારતીય જનતા પાર્ટીમાંથી બહાર હંકાયેલ નેતા કિર્તી આઝાદે સોમવારે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો હતો. આઝાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પારંપરિક મૈથિલી પાગ પહેરાવી પક્ષમાં જોડાયા હતા. તેઓ ગત અઠવાડિયે જ કોંગ્રેસમાં જોડાવવાના હતા, પરંતુ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકી હુમલાના કારણે તેમના પ્રવેશમાં વિલંબ થયો હતો. પૂર્વ ક્રિકેટર અને બિહારના દરભંગાથી સાંસદ કિર્તી આઝાદને ચાર વર્ષ પહેલાં પક્ષ વિરોધી ગતિવિધિઓ બદલ ભાજપમાંથી બરતરફ કરાયા હતા. હવે ર૦૧૯માં પોતાના કોંગ્રેસી પિતાની પરંપરાને આગળ વધારતા તેઓ કોંગ્રેસ સાથે જોડાયા છે. તેમનું કહેવું છે કે, ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડત અને અરૂણ જેટલી સાથે મતભેદના કારણે તેમને ભાજપમાંથી બહાર કરાયા હતા. ૬૦ વર્ષીય કિર્તીવર્ધન ભાગવત ઝા આઝાદનો જન્મ બિહારના પૂણિયા જિલ્લામાં થયો હતો. તેમના પિતા ભાગવત ઝા બિહારના મુખ્યમંત્રી હતા. મૈથિલ પરિવારમાં જન્મેલા કિર્તીએ દિલ્હીની સેંટ સ્ટીફન કોલેજમાંથી ઈતિહાસનો અભ્યાસ કર્યો હતો, તેમજ દિલ્હી તરફથી રણજી ટ્રોફી રમી હતી. વર્ષ ૧૯૮૩માં પ્રથમ વાર વિશ્વ વિજેતા બનેલ ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય આઝાદને ક્રિકેટર તરીકે ઘણી લોકપ્રિયતા મળી હતી. ક્રિકેટમાંથી સંન્યાસ બાદ કિર્તી આઝાદે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ બિહારના દરભંગાથી ત્રણ વાર સાંસદ તરીકે ચૂંટાયા છે, જ્યારે ૧૯૯૩થી ૧૯૯૮ વચ્ચે દિલ્હીથી ત્રણ વાર ધારાસભ્ય રહ્યા છે.