નવી દિલ્હી,તા.૯
ભારતીય જનતા પાર્ટીનાં બાગી નેતા અને બિહારની દરભંગા લોકસભા બેઠકનાં સાંસદ કિર્તી આઝાદને કોંગ્રેસ પાર્ટીએ ધનબાદ બેઠક પરથી ટીકિટ આપી છે. કોંગ્રેસ પક્ષે જાહેર કરેલી બે ઉમેદવારોની યાદીમાં કિર્તી આઝાદનો સમાવેશ કરાયો છે. કોંગ્રેસ પાર્ટીએ ઝારખંડ રાજ્યની બે લોકસભા સીટ માટે મુરતિયા જાહેર કર્યા છે. યાદી પ્રમાણે ખૂંટી(અનામત) બેઠક પરથી કાલીચરણ મુંડાને ઉમેદવાર બનાવાયા છે.
મહત્વનું છે કે કિર્તી આઝાદ વર્તમાનમાં બિહારની દરભંગા સીટનાં સાંસદ છે. ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં સામેલ થયેલા કિર્તી આઝાદ દરભંગા સીટ પરથી જ ચૂંટણી લડવા માગતા હતા. પરંતુ મહાગઠબંધનની પળોજણમાં દરભંગા બેઠક આરજેડીનાં ખાતામાં ગઇ છે. જ્યાંથી અબ્દુલ બારી સિદ્દિકી રાજદનાં ઉમેદવાર છે. મહત્વનું છે કે કિર્તી આઝાદે ગત ચૂંટણીમાં ભાજપની ટીકિટ પર આરજેડીનાં ઉમેદવાર મોહંમદ અલી અશરફ ફાતમીને હરાવ્યા હતાં.