સુરેન્દ્રનગર, તા.૧૩
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, સાયલા, લીંબડી, ચુડા, વઢવાણ, લખતર, પાટડી, દસાડા, ચોટીલાના તમામ ગામોમાં અછત-દૂષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. વળી ૨૦૧૭માં ચોમાસામાં પૂર હોનારતમાં ખેડૂતોને નુકસાન થયું હતું. તે સમયે બેંકો દ્વારા પ્રિમિયમ વસૂલ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત નાણાં ચૂકવવામાં આવેલા ન હતાં. આ વર્ષે ૨૦૧૮મા પણ તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે.
નવા વર્ષની શરૂઆતમાં પાણશીણા એસ.બી.આઈ. દ્વારા ખેડૂતોને પાક ધિરાણ ૧૫ દિવસમાં ભરી જવા નોટિસ આપી છે. ખરેખર તો તે માફ કરવી જોઈએ. પાક વીમાનું પ્રિમિયમ લેવામાં આવ્યું હતું. ખેડૂતોએ પ્રિમિયમ ભર્યું હોવા છતાં વળતર અપાવામાં આવ્યું નથી. વીમા કંપની દ્વારા કોઈ પોલિસી આપવામાં આવી ન હતી. વીમો લીધો હોવા છતાં લોન ન ભરી શકતા બેંક દ્વારા ખેડૂતોને નોટિસ ફટકારી છે. ગુજરાત સરકારે ઝીરો ટકાએ લોન આપવાની જોગવાઈ કરી છે.
બેંકો દ્વારા ઉંચા વ્યાજે નાણાં ભરપાઈ કરવા ખેડૂતોને મજબુર કરાયા છે. કિસાન ક્રાંતિ સંગઠનના પ્રમુખ ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું. કે બેંક દ્વારા આપવામાં આવેલી નોટિસમા પણ ભેદભાવ રાખવામાં આવ્યો છે. કિસાન ક્રાંતિના નેતા ભરતસિંહ ઝાલાને આ વિસ્તારના એડવોકેટ દ્વારા નોટિસ આપી છે અને બીજા ખેડૂતોને બેંક દ્વારા નોટિસ આપી છે. ભરતસિંહ ઝાલાએ ખેડૂતોને પૂરતું વળતર ન આપવામાં આવતું હોવાથી સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી કરીને જીત અપાવી હતી તેથી સરકારે તેમને પરેશાન કરવા માટે એડવોકેટ દ્વારા નોટિસ ફટકારી હોવાનો આરોપ તેમણે મૂક્યો છે.
તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોને પાક ધિરાણ માફ કરવા કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં નુકસાન થયું હોય તો પણ આર્થિક મદદ કરવામાં આવતી નથી. તે અંગે ગુજરાત સરકારે કૃષિ નીતિ બનાવી નથી. કૃષિ નીતિ બનાવવા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો હોવા છતાં હજુ સુધી રૂપાણી સરકારે નીતિ બનાવી નથી. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોને પાક ધિરાણ માફ કરવા કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં નુકસાન થયું હોય તો પણ આર્થિક મદદ કરવામાં આવતી નથી. કૃષિ નીતિ બનાવવા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો હોવા છતાં હજુ સુધી રૂપાણી સરકારે નીતિ બનાવી નથી.
ભરતસિંહ સુરેન્દ્રનગર જિલ્લાના ખંભલાવ ગામના ખેડૂત છે. આ ગામમાં ૨૦૧૬મા અછત, ૨૦૧૭મા અતિવૃષ્ટિ અને ૨૦૧૮મા અછત-દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ખેડૂતોને આપઘાત કરવા માટે પ્રેરિત કરતી બેંકો દ્વારા કેમ ઉંચા વ્યાજે નાણાં ભરપાઈ કરવા મજબૂર કર્યા ? એવો સવાલ ભરતસિંહે ઊભો કર્યો છે.
સરકારે વળતર આપવા માટે જાહેર કરી હતી, પરંતુ વીમા કંપની કે બેંક દ્વારા કોઈ રાહત તો ન મળી પણ નોટિસ મળી છે. તેમની લોન રૂા.૨ લાખ જેટલી હતી. શૂન્ય ટકા વ્યાજે નાણાં આપવા માટે સરકારે જાહેરાત કરી હોવા છતાં ઊંચુ વ્યાજ લેવાય છે. ખેતરોમાં સિંચાઈનું પાણી આપ્યું નહીં. નુકસાન થયું તેનુ પૂરું વળતર ચૂકવવામાં આવેલું નથી, ઉભા પાક નિષ્ફળ ગયા છે, ખેડૂતો ને જીવનનિર્વાહ ખર્ચ કરવામાં મુશ્કેલી ઉભી થઇ છે, ત્યારે આ નોટિસ પાઠવી તે ગેર બંધારણીય છે. એવો આરોપ તેમણે મૂક્યો છે.