(સંવાદદાતા દ્વારા)
વડોદરા,તા.૧૦
વડોદરાના નવલખી મેદાનમાં ૧૪ વર્ષની કિશોરી પર નરાધમોએ આચરેલા દુષ્કર્મના બંને આરોપીઓના ગત રોજ ૮ દિવસના રિમાન્ડ મંજૂર થયા બાદ ગત મોડી રાત્રે બંનેને તપાસ માટે જયાંથી તેઓ પકડાયા હતા. ત્યાં તરસાલી લઈ જવાયા હતા અને આજે બપોરે પોલીસ બંનેને લઈ નવલખી મેદાનમાં પહોંચી હતી. જયાં બંનેને અલગ-અલગ જગ્યાઓએ લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ બંને આરોપીઓને લઈને નવલખી ગ્રાઉન્ડ પર પહોંચી હતી અને આરોપીઓએ જે જગ્યાએ પીડિતાના મિત્રને માર્યો અને જે જગ્યાએથી તેઓ પીડિતાને લઈ ગયા તે જગ્યા બતાવી હતી. ત્યાર બાદ જે રસ્તા પર તેઓ ગયા હતા. તે રસ્તે જ ક્રાઈમ બ્રાન્ચ તેઓને અંદર લઈને ગઈ હતી અને જે સ્થળ પર દુષ્કર્મ આચર્યું હતું, તે જગ્યા આરોપીઓએ પોલીસને બતાવી હતી. ૧૪ વર્ષની સગીરાને જે દીવાલ પરથી નીચે ફેંકયા બાદ દુષ્કર્મ આચર્યું હતું. તે દીવાલ કુદવાનું રિકન્સ્ટ્રકશન પણ પોલીસે આરોપીઓ પાસે કરાવ્યું હતું. પહેલા પોલીસ કર્મીઓ દીવાલ પર ચડયા હતા અને ત્યાર બાદ આરોપીઓને દીવાલ પર ચડવા માટે કહેવામાં આવ્યું હતું. આરોપીઓ કેવી રીતે દીવાલ પર ચડયા તેનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. આરોપીએ જે લાકડાના ડંડા વડે પીડિતાના મિત્રને માર માર્યો હતો. તે ડંડો પણ નવલખી મેદાનમાંથી મળી આવ્યો હતો. મેડિકો લીગલ ઓફિસરે જણાવ્યું હતું કે, બંને આરોપીઓને મેડિકલ તપાસ માટે લોહી, લાળ, શરીરના વાળ અને નખના નમુના લેવાયા હતા. જશો નામના આરોપીના સ્પર્મ ટેસ્ટ લેવાયા હતા. જયારે કિશનના સ્પર્મ ટેસ્ટ લઈ શકાયા ન હતા. નમુના સીલ કરીને પોલીસને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત બંને આરોપીઓએ સગીરાને બચકા ભર્યા હોવાથી તેમના દાંતના નમુના અને માપ પણ લેવાયા હતા. બંને આરોપીઓ વડોદરા આવીને ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા. બંને એક વર્ષથી ઝૂંપડુ બાંધીને રહેતા હતા. પરંતુ તેમ છતાં બંને પાસેથી એન્ડ્રોઈડ મોબાઈલ મળી આવ્યો હતો. ફુગ્ગા વેચતા કિશન પાસે ગેંગરેપ સમયે ર મોબાઈલ હતા. જે પૈકી સાદો મોબાઈલ પોલીસે કબજે કર્યો છે. જયારે એક અન્ડ્રોઈડ મોબાઈલ શોધવા પોલીસે તેના ફુટપાથના રહેઠાણે તપાસ કરી છે. આ મોબાઈલમાં તે પોર્ન ફિલ્મ જોતો હોવાનો ખુલાસો થયો છે.

દુષ્કર્મના આરોપીઓનીે કબૂલાત : ગુનો આચર્યા બાદથી બંને તરસાલી જ હતા

વડોદરા, તા.૧૦
વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ મામલામાં બંને આરોપીઓના ૮ દિવસના રિમાન્ડ મંજૂર થયા બાદ મોડી રાત્રે બંને આરોપીઓને તપાસ માટે તરસાલી લઈ જવાયા હતા, જ્યાંથી તેઓ પકડાયા હતા. બંને આરોપીઓના હાથમાં રસ્સી બાંધવામાં આવી હતી. ગઈકાલે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં બંનેએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. બંને પૈકી એક તારાપુર અને બીજો જસદણનો છે. સવા વર્ષથી તરસાલી ફૂટપાથ પર છાપરા બનાવીને રહેતા હતા. બંનેએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, દુષ્કર્મ બાદ અમે અહીં જ રેહતા હતા ક્યાંય ભાગી ગયા નથી. ટીવી કે સમાચાર પત્રો પણ જોતા ન હોવાથી તેમને કોઇ જાણ નથી.