ગાંધીનગર, તા.ર૪
ગુજરાત લઘુમતી કલ્યાણ સંરક્ષણ વિધેયકની ચર્ચામાં જ્યારે કોંગી ધારાસભ્ય લઘુમતીઓની સલામતીની ચિંતા કરી તેમના કલ્યાણની વાતો કરતા હતા ત્યારે ચર્ચામાં ભાગ લેતા વેજલપુરના ભાજપના ધારાસભ્ય કિશોર ચૌહાણે ઝેર ઓક્યું હતું. તેમણે જુહાપુરામાં કોમી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ થતો હોવાનું કહીને રીતસરનું ઝેર ઓકતું પ્રવચન વિધાનસભામાં આપ્યું હતું.
લઘુમતીઓના કલ્યાણ અને સંરક્ષણ વિધેયકની ચર્ચામાં ભાગ લેતા વેજલપુરના ભાજપના ધારાસભ્ય કિશોર ચૌહાણે જણાવ્યું હતું કે, રર વર્ષથી ગુજરાતમાં એકપણ રમખાણ થયું નથી. મારા મત વિસ્તારમાં પાણી, મા કાર્ડ, રસ્તા સહિતની સુવિધાઓ જેટલી મળે છે તેટલી જ સુવિધાઓ જુહાપુરા વિસ્તારમાં મળે છે પરંતુ મારે દુઃખ સાથે કહેવું છે કે, કાયદા-કાનૂન પ્રમાણે અમે રહીએ છીએ એવી રીતે જુહાપુરાના લોકો રહેતા નથી. જુહાપુરામાં ગેરકાયદે કામો થાય છે. સૌથી વધારે કતલખાના જુહાપુરામાં છે કોમી અશાંતિ ફેલાવવાના પ્રયાસ જુહાપુરામાં થાય છે. ત્યારે જુહાપુરામાં પણ લોકોએ નિયમોનું પાલન કરવું જોઈએ લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ વિધેયક લાવીને ગુજરાતની શાંતિને ડહોળવાનું કામ ના કરો. શાંતિથી દેશ ચાલી રહ્યો છે. ત્યારે સરકારે અંતે દેશને સહયોગ આપો. દેશને આગળ લઈ જવામાં સહયોગ આપો એમ કિશોર ચૌહાણે જણાવ્યું હતું.