અમદાવાદ,તા.૩૦
તાજેતરમાં જ અમદાવાદ શહેરના પ્રહલાદનગરમાં આવેલા ફલેટના એક મકાનમાં શોર્ટસર્કિટના લીધે આગ લાગી હતી. જેમાં પતિ-પત્નીના મોત થયા હતા. જયારે બે સંતાનો અને વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં આ પરિવારની પુત્રીની સારવાર અમદાવાદની સેલ્બી હોસ્પિટલમાં ચાલતી હતી. જેને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવા માટે ગ્રીન કોરિડોર બનાવાયો હતો. ત્યારે એક કિશોરીનો જીવ બચાવવા પોલીસ કાફલા સાથે ગ્રીન કોરિડોર બનાવીને કિશોરીને સહીસલામત બીજી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.ડોકટરોના કહ્યા પ્રમાણે આ કિશોરીને અન્ય હોસ્પિટલમાં લઈ જવા માટે વધારે સમય લાગવો ન જોઈએ. કારણ કે તેની હાલત ગંભીર છે. તેને લઈ જતી વખતે કોઈપણ પ્રકારનો ઝટકો ન લાગે તેની પણ તકેદારી રાખવાની રહેશે. આ કિશોરીની એમ્બ્યુલન્સને એકદમ ઓછી સ્પીડમાં લઈ જવામાં આવી રહી હતી. જેથી તેને કોઈ જ પ્રકારની સમસ્યા ન થાય તેટલી જ સ્પીડમાં એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. તે એમ્બ્યુલન્સની આગળ પાછળ પોલીસનો મસમોટો કાફલો પણ રાખવામાં આવ્યો હતો. સેલ્બી હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ સુધીના રૂટ પર દર રપ મીટરના અંતરે એક પોલીસની બાઈક રાખવામાં આવી હતી. આ રૂટ રાહદારીઓ માટે થોડીવાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો દર્દીને તકલીફ ન થાય એટલે એમ્બ્યુલન્સનું સાયરન વગાડવામાં પણ આવ્યું ન હતું. આ આખા રૂટ પર ટ્રાફિક પોલીસનો પણ કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આ ઘટના પહેલા પણ થોડા દિવસ પહેલા અમદાવાદમાં પ્રથમવાર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે ગ્રીન કોરિડોર બનાવાયો હતો. ગ્રીન કોરિડોરમાં ૧૪ મિનિટમાં જ સિવિલથી દીકરાનું હાર્ટ સિમ્સ હોસ્પિટલમાં પહોંચાડાયું હતું.