(એજન્સી) તા.૨૮
દેશમાં સૌથી જૂનું અને સૌથી વિશાળ પ્રાઇવેટ ટેલિવિઝન નેટવર્ક ધરાવનાર ઝી મીડિયા પરના કોબ્રાપોસ્ટ સ્ટીંગ ઓપરેશને ઓપરેશન ૧૩૬ના સાંકેતિક નામે હાથ ધરેલા આ સ્ટીંગ ઓપરેશનમાં ભાજપના સાંસદ સુભાષચંદ્રની માલિકીનું ઝી મીડિયા નેટવર્ક કઇ રીતે નૈતિક પત્રકારત્વના તમામ ધોરણોનું ઉલ્લંઘન કરી રહ્યું છે તેનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ચેનલના પત્રકાર અને બિનપત્રકાર બંને કર્મચારીઓ ઇન્વેસ્ટીગેટીવ પોર્ટલ દ્વારા કેમેરા પર એવું કહેતા કેદ થઇ ગયા છે કે તેઓ કોઇપણ જાતના ડિસ્ક્લોઝર વગર જાહેરખબરો તેમજ પેજ ન્યૂઝ ચલાવવા માટે કાળુંનાણું સ્વીકારે છે અને ઉ.પ્ર.ના મુખ્યપ્રધાન આદિત્યનાથ જેવા લોકો માટે તેમના પક્ષના રાજકીય હરીફોને ઉતારી પાડવા અભિયાન ચલાવે છે જેમ કે તેમણે પંજાબમાં અકાલીઓ વિરુદ્ધ આવી ઝુંબેશ ચલાવી હતી. તેઓ જો કોઇ પાર્ટી કોમવાદને ભડકાવવા કે હરીફો પર પ્રહારો કરવા માગતા હોય તો તેઓ પૈસા માટે કોઇપણ પાર્ટીની માગણીને સ્વીકારવા માટે કોઇપણ હદે ઝૂકી જવા તૈયાર છે. કોબ્રાપોસ્ટના ઓપરેશન ૧૩૬ની બીજી સિરીઝમાં ઝી મીડિયા ગ્રુપના કર્મચારીઓ શાસક પક્ષને ફાયદો કરાવવા માટે તેમના રાજકીય હરીફો વિરુદ્ધ અપમાનજનક કન્ટેન્ટ પોસ્ટ અને પ્રકાશિત કરવા માટે તૈયાર થયા હોવાનું કોબ્રાપોસ્ટના અનેક ક્લિપીંગમાં જોવા મળે છે. વિડંબના એ વાતની છે કે જ્યારે ઝી મીડિયા ગ્રુપના વડા સુભાષચંદ્ર મીડિયા એથિક્સ અને મોરલ સાયન્સ પર કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લેક્ચર આપતા જોવા મળે છે અને તેની જ સામે ઝીના અધિકારીઓ પેજ ન્યૂઝ કેમ્પેન ચલાવતા હોવાનો એકરાર કરે છે. આમ કોબ્રાપોસ્ટ સ્ટીંગ ઓપરેશનમાં યોગીને પ્રમોટ કરવાથી લઇને અકાલીઓને ઉતારી પાડતી ઝુંબેશ સુધીની અનૈતિક કામગીરી માટે ઝી મીડિયાનું પત્રકારત્વ ઉઘાડું પડી ગયું હતું. અન્ડર કવર પત્રકારો દ્વારા પ્રસ્તાવિત ભાગલાવાદી અને કોમવાદી એજન્ડા હાથ ધરવા માટે ઝી મીડિયાના ઉપરથી છેક નીચલા સ્તર સુધીના કર્મચારીઓ તૈયાર થયા હતા અને ૫૦ ટકા પેમેન્ટ બ્લેકમનીમાં પણ સ્વીકારવા સંમત થયા હતા. ઓરિસ્સા બાબતે ડીલ થયા બાદ અન્ડર કવર પત્રકાર પુષ્પ શર્મા ભુવનેશ્વરમાં કોફીશોપ ખાતે ઝી યુની મીડિયા લિમિટેડના એક્ઝીક્યુટીવ વાઇસ પ્રેસિડન્ટ એન્ડ કલસ્ટર હેડ સેલ્સ સંજોય ચેટરજીને મળ્યા હતા અને ચેટરજીએ એવું જણાવ્યું હતું કે આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ સેલ્સને મળ્યા હતા અને જણાવ્યું હતું કે તેમની પાસે કંપનીની નોઇડા ઓફિસના એક મુકેશ ઝીંડાલ છે કે જેઓ કાળાનાણાંને સફેદમાં ફેરવી શકે છે.