કોડિનાર,તા.૧૯
કોડિનાર શહેર તાલુકાભરમાં ગત તા.૯/૭થી સતત ૧૦ દિવસ અનરાધાર વરસી રહેલા મેઘરાજાએ આજે ૧૧માં દિવસે સાંજે ૪ વાગ્યા સુધી જાણે કોડિનાર ઉપર તરસ માળી હોય તેમ કાળા ડીબાંલ વાદળો અને છુટા છવાયા ઝાપટાંઓ વચ્ચે મેઘવિરામ લેતાં તાલુકાની પ્રજાએ સાથે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
કોડિનારમાં મેઘરાજાએ છેલ્લા ૧૦ દિવસ ધમાકેદાર બેટીંગ કરી ૧૦ દિવસમાં જ ૬ર ઈંચ જેટલો ભારે વરસાદ વરસાવ્યા બાદ આજે વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ખમૈયા કરતાં નહિવત જેવો વરસાદ વચ્ચે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી ઓસરતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. મેઘવિરામ વચ્ચે વિઠલપુર, હરમડિયા, ગોહિલની ખાણ જેવા ગામોમાં તંત્ર અને ગ્રામજનો દ્વારા પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. કોડિનારના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં જમીનોનું ધોવાણ થયાનું તેમજ ઘરવખરીનો ભારે માત્રામાં નુકસાન થયાનું જણાઈ રહ્યું છે. તેમજ હજુ પણ અનેક ગામડાઓના રસ્તાઓ બંધ હોવાનું પણ જાણવા મળેલ છે. વરસાદી પાણી સંપૂર્ણ રીતે ઓસર્યા બાદ નુકસાનનો ખરો આંકડો બહાર આવવાની શક્યતા વચ્ચે કોડિનારના અનેક સરપંચો રાજકીય પદાધિકારીઓએ સરકારમાં નુકસાન ગ્રસ્ત વિસ્તારોના અસરગ્રસ્તોને કેશડોલ ચૂકવવા માગણી કરી છે.
કોડિનાર વિઠલપુર વચ્ચેનો આદપોકારનો પુલ તૂટ્યો
કોડિનાર-વિઠલપુરને જોડતો આદપોકાર ગામે બેઠો પુલ ગત મોડી રાત્રીના ધરાયી થયો હતો. આદપોકાર ગામનો પુલ ભારે વરસાદ અને ભારે માત્રામાં વહેતા પાણીના પ્રવાહમાં ઝીક ઝીલી ન સકતા પુલ ધરાશાયી થતાં કોડિનાર-વિઠલપુર અને ગીરગઢડા વિસ્તારનો વાહન વ્યવહાર ઠપ્પ થતાં વિઠલપુર ગીરગઢડા સંપર્ક વિહોણા બન્યા છે.
કોડિનારમાં વરસાદી આફત વચ્ચે સતત ૪ દિવસથી લોકોની વચ્ચે લોકકાર્યો કરતાં પૂર્વ સાંસદ અને પાલિકા ઉપપ્રમુખ
કોડિનાર શહેર ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦ દિવસથી વરસાદે કાળો કેર વરસાવતાં અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. ત્યારે જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ સતત ૪ દિવસ હરમડિયા, કાણકિયા, કરેણી વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં અને નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી સાથે શહેરી વિસ્તારોમાં વહેતા પાણી વચ્ચે અસરગ્રસ્તોની મુલાકાત કરી તેમને મદદ પહોંચાડી તાત્કાલીક ભરાયેલા પાણીનો નિકાસ કરવા યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરી નુકસાનનું વળતર ચૂકવવા સરકારમાં માગણી કરી ખરા અર્થમાં લોક નેતા હોવાનું સાર્થક કર્યું હતું.
કોડિનાર ગ્રામ્ય વિસ્તારોમાં NDRF દ્વારા મેડિકલ કેમ્પ
કોડિનારના અસરગ્રસ્ત વિસ્તારોમાં ૬ NDRF ટીમ દ્વારા બરડાગોહિલની ખાણ વગેરે ગામોમાં સ્થાનિક ડોક્ટરોની ટીમ સાથે મળી મેડિકલ કેમ્પ યોજી અસરગ્રસ્તોનો ઈલાજ કરી વરસાદ પછી ફેલાતી ગંભીર બીમારીઓ વિશે જાણકારી આપી સ્વચ્છતાની જાણકારી આપી પીવાના પાણીનું વિતરણ કર્યું હતું.