(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.ર૭
કોડીનાર શહેરમાં શુક્રવારે જુમ્માની નમાઝ બાદ નાગરિકતા કાનૂન અને એન.આર.સીના વિરોધમાં સંવિધાન બચાવોના નામે વિવિધ પોસ્ટરો, બેનરો સાથેની વિશાળ મૌન રેલી યોજાઈ હતી. સંવિધાન બચાવો સમિતિ કોડીનાર દ્વારા આ કાળા કાયદાનો વિરોધ કરવા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી ઉના ઝાપા થઈ મામલતદાર કચેરી સુધી અનેક બેનરો, પોસ્ટરો સાથેની વિશાળ મૌન રેલી યોજાઈ હતી, જેમાં પ્રથમ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી રેલીની શરૂઆત કરવામાં આવ્યા બાદ મામલતદાર કચેરીએ જઈ મામલતદાર દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંવિધાન બચાવો સમિતિ કોડીનાર અને એસ.સી., ઓ.બી.સી., અને મુસ્લિમ સમાજ દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મુસ્લિમોને ડિટેશન સેન્ટરમાં કેદ કરી દેવામાં આવશે. સમાજમાં ધર્મના નામે ભાગલા પાડતો આ કાળો કાયદો રદ કરવા અને એનઆરસી લાગુ ન કરવાની માગણી કરી હતી તેમજ મૌન રેલીમાં હાજર રહેલા દલિત સમાજના અગ્રણીઓએ આ કાળો કાયદો મુસ્લિમો સાથે એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ને પણ નુકસાનકર્તા હોવાનું જણાવી સરકાર ઉપર આકરા પ્રહારો કરી આ મુદ્દે સાથે રહીને લડત ચલાવવા આહવાન કર્યું હતું. સીએએ-એનઆરસીના વિરોધમાં સંવિધાન બચાવો રેલીમાં મુસ્લિમ સમાજ સહિત દલિત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રેલીમાં મુસ્લિમો સાથે અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હોવા છતાં કોડીનાર મુસ્લિમ સમાજની આગલી હરોળના એકલ દોકલ આગેવાન સિવાય કોઈપણ આગેવાનો મૌન રેલીમાં હાજર ન રહેતા મુસ્લિમ આગેવાનોની ગેહરાજરી ઉડીને આંખે વળગી હતી અને ચર્ચાનો વિષય બની હતી.