(સંવાદદાતા દ્વારા) કોડિનાર, તા.૮
કોડિનાર શહેરમાં છેલ્લા ઘણા સમયથી માથું ઊંચકી રહેલ ટ્રાફિક સમસ્યા કોડિનાર માટે માથાના દુઃખાવા સમાન બની હોય કોડીનાર પોલીસ સ્ટેશનમાં ભીમા કોરેગાંવ મુદ્દે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં ગીર સોમનાથના ડીવાયએસપી સમક્ષ કોડિનારના અગ્રણીઓએ ટ્રાફિકનો મુદ્દો ઉઠાવતા તેમણે આ અંગે ઘટતું કરવા ખાત્રી આપ્યા બાદ આજે કોડીનારના પીઆઈ ખાંભલા પીએસઆઈ કે.એન.અઘેરા કિશોર બાપુ, રામાભાઈ, સહિતનો સ્ટાફે શહેરના પાણી દરવાજા, ફીશ માર્કેટ, બસ સ્ટેશન, ઉના ઝાંપા વિસ્તારમાં સઘન ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી ધુમ સ્ટાઈલ બાઈક ચાલકો, મોટા અવાજવાળા હોન નંબર પ્લેટ અને લાયસન્સ વિના ડ્રાઈવિંગ કરતાં વાહનચાલકો ઉપર ઘોંસ બોલાવી વાહનો ડીટેઈન કર્યા હતા. જ્યારે ૩૭ વાહનચાલકોને દંડ ફટકારતા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે હજુ શહેરના ગીચ વિસ્તાર ઉના ઝાંપાથી પાણી ઝાંપા સુધી, યુનિયન બેંક રોડ, મેઈન બજારોમાં સઘન ટ્રાફિક ઝુંબેશની તાતી જરૂરિયાત છે. ઉપરોકત વિસ્તારોમાં વાહનચાલકો ગમે ત્યાં આડેધડ વાહન પાર્કિંગ કરી ટ્રાફિક સમસ્યા ઉભી કરી રહ્યા છે. ત્યારે પોલીસ આવા વાહનો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે. જ્યારે પીએસઆઈ કે.એન.અઘેરાએ આગામી દિવસોમાં પણ જાહેર રસ્તાઓમાં આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહનોને ડીટેઈન કરી વધુ કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.
૧૮ વર્ષથી નીચેના બાળકોને વાહનો આપતા વાલીઓ વિરૂદ્ધ
કાર્યવાહી : પીઆઈ ખાંભલા
આજે કોડીનાર શહેરમાં સઘન ટ્રાફિક ઝુંબેશ બાદ પીઆઈ બી.એન.ખાંભલાએ પત્રકારોને જણાવ્યું હતું કે, વાલીઓએ ૧૮ વર્ષની નીચેના બાળકોને વાહનો ચલાવવા આપવા નહીં. આવા બાળકો બેદરકારીથી વાહનો ચલાવી અકસ્માત નોતરે છે. નિશાળે કે ટયુશનમાં જવા માટે બાળકોને વાહન આપવા નહીંનું જણાવી જો આવા બાળકો વાહન ચલાવતા પકડાશે તો વાહન ૧૮ મહિના માટે ડીટેઈન કરી વાલી વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.