કોડીનાર, તા.૮
બહુજન ક્રાંતિ મોરચા તરફથી તારીખ ૦૮/૦૧/ર૦ર૦ના રોજ રાષ્ટ્રીય સ્તરે રેલી, પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોડીનાર બહુજન ક્રાંતિ મોરચા પણ રાષ્ટ્રીય સ્તરે થનારી રેલીના અનુસંધાને રેલીમાં જોડાયું હતું અને આજે બહુજન ક્રાંતિ મોરચા દ્વારા કોડીનારમાં રેલી કાઢી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તમામ (એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., માઈનોરિટી) મૂળનિવાસી સંગઠનો પોતાના ઝંડા, પ્લે કાર્ડ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કોડીનાર બહુજન ક્રાંતિ મોરચા દ્વારા આજે બંધારણનાં ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી વિવિધ સૂત્રોચ્ચારો સાથે રેલી કાઢી કોડીનાર મામલતદાર દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને વિસ્તૃત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં NRCમાંથી બાકાત રહેલા ૧૭,૨૦,૯૩૩ લોકોને NRCની યાદીમાં સમાવેશ કરવા અને CAA ભારતીય સંવિધાન વિરોધી હોવાનું અને CAA ના કારણે સમગ્ર દેશમાં અશાંતિ ફેલાઈ ચૂકી છે. જેમાં કેન્દ્ર સરકાર જવાબદાર હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ દેશમાં અશાંતિ ફેલાવવા અને બે સામાજિક સમૂહોમાં વિવાદ ઊભો કરવાનો ગુનો નોંધવા તેમજ NRC-CAAના વિરૂદ્ધ આંદોલન કરનાર ઉપર થયેલા ખોટા કેસો પરત ખેંચવા અને NRC-CAAને ડી.એન.એ.સાથે જોડી નાગરિકતા આપવા ઉગ્ર માંગ કરી આ સાથે ઈ.વી.એમ.સાથે ૧૦૦ ટકા VVPAT લગાવવાનો કાનૂન બનાવવા સહિતની અનેક માંગણીઓ કરી CAAનો કાળો કાળદો પરત ખેંચવા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી.
બહુજન ક્રાંતિ મોરચા દ્વારા યોજાયેલી રેલીમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને માઈનોરિટીના લોકો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોડીનારના પી.આઈ.ભરવાડ, પી.એસ.આઈ.સોલકી, પી.એસ.આઈ.દવે પી.એસ.આઈ.માલી સહિતના સ્ટાફે રેલી દરમિયાન ભારે બંદોબસ્ત ગોઠવ્યો હતો.